નડિયાદમાં આવેલા વિવિધ અર્બન સેન્ટર ઉપર ફરજ બજાવતી આશા બહેનોએ પોતાના અનિયમિત પગાર તથા બાકી નીકળતા ઈન્સેન્ટીવ મામલે આજે જિલ્લા કલેક્ટર કચેરીમાં કલેક્ટર તથા જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી છે. તેમનો લાંબા સમયથી પગાર થયો નથી તો ઈન્સેટીવ પણ બાકી નીકળે છે, જેના કારણે તેમને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. આથી તેમણે આ અંગે આજે રજૂઆત કરી છે.
નડિયાદમાં ચાર અર્બન સેન્ટર ઉપર આશા બહેનો હાલમાં કામ કરી રહી છે. આ આશા બહેનોનો ડિસેમ્બરથી મે મહિના સુધીનો ફિક્સ પગાર અને એપ્રિલ અને મે મહિનાનું ઈન્સેન્ટિવ બાકી છે. આ ઉપરાંત તેમણે કરેલી ઇન્દ્રધનુષના મમતા દિવસની કામગીરી, એનસીડીની કામગીરી, ટ્રેનિંગની કામગીરી, ટીબીની કામગીરી તેમજ બે વર્ષની કોરોનાની કામગીરીનું કોઈપણ જાતનું મહેનતાણું ચૂકવવામાં આવ્યું નથી. પગાર અનિયમિત રહેતાં પગાર રેગ્યુલર કરવા તેમજ ઉપરોક્ત કરેલી કામગીરીના નાણાં મેળવવા આજે આશા બહેનોએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. ઉપરાંત આરોગ્ય અધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરી પોતાની માંગણીઓ સંતોષવા આજીજી કરી છે. મહિલાઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે અમારો પગાર અનિયમિત રહેતાં અને ઈન્સેન્ટિવ પણ બાકી રહેતાં અમારે ઘર ચલાવવું ઘણું મુશ્કેલ બન્યું છે. અમારા વેતન અને ઈન્સેટીવ મામલે બેદરકારી રાખી રહ્યા છે. તેથી અમારે ન છૂટકે આંદોલનનો માર્ગ પણ અપનાવવો પડશે.
નરેશ ગનવાણી : નડિયાદ