નડિયાદ સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં મહાસુદ પૂર્ણિમાના દિને બુધવારે ૧૯૧ મો પૂ. યોગીરાજ સંતરામ મહારાજ સમાધિ મહોત્સવ ઉજવાયો હતો.
આ નિમિત્તે વહેલી સવારે ૪. ૩૦ કલાકે તિલક દર્શન અને મંગળા દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા. આખો દિવસ ભકતોનો અવિરત પ્રવાહ રહ્યો હતો. મંદિરમાં પૂ. સંતરામ સમાધિ સ્થાન ગાદી સામે ૧૦ ફુટ ઉંચો ચોરસ બનાવેલા પ્લેટફોર્મ ઉપર ઢળતી સંધ્યા મંદિરના મહંત પૂ. રામદાસજી મહારાજની સાથે શાખા મંદિરોના સંતો આવ્યા હતા. આ સમયે ભક્તોના જય મહારાજના ગગનભેદી નાદથી મંદિર ગુંજી ઉઠયુ હતું. સાકર વર્ષા પૂર્વે મંદિરના મહંત પૂ. રામદાસજી મહારાજે શાખા મંદિરોના સંતોના સથવારે વર્ષમાં માત્ર એકવાર થતી દિવ્ય મહાઆરતી ઉતારી હતી. આરતી દર્શન અને સાકર વર્ષાનો લાભ લેવા ભક્તોનો મહેરામણ ઉમટયો હતો. મંદિર પરિસરમાં હૈયે હૈયુ ભીડાય તેવી ભીડમાં ય મહારાજના નાદ સાથે ભક્તોએ સાકર પ્રસાદી મેળવીને ધન્યતા અનુભવી હતી. આ મહોત્સવને લઇને મંદિર તરફના માર્ગો પર ભારે અવરજવર કરતાં વાહનો પર પ્રતિબંધ કરવામાં આવ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
નરેશ ગનવાણી : નડિયાદ