નડિયાદમાં ડભાણ રોડ પર ડેટા એન્ટ્રીનું કામ કરતી માસ્ટર ડીજિટલ સોલ્યુશન નામની એજન્સીની ઓફીસ આવેલી છે. જ્યાં અમુક રકમ ભરીને યુવાનોને તેમજ ઘરે બેઠા મહિલાઓને ડેટા એન્ટ્રીનું કામ કરાવવામાં આવતા હતા. તેમજ કેટલાક કર્મચારીઓને તેઓની ઓફિસમાં જ એન્ટ્રી માટે બોલાવવામાં આવ્યા હતા.
જેમાં શરૂઆતમાં તમામના એકાઉન્ટમાં નાણાં પડતા હતા. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી આ નાણાં આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતુ. જેથી સંચાલકોએ લોકો સાથે ઠગાઈ કરી હોવાનું લાગતા અહીયા હોબાળો મચ્યો હતો. ભોગ બનનાર લોકોના ટોળેટોળા
ડભાણ કચેરીઓ પહોંચી ગયા હતા. જેથી મામલો ગરમાયો હતો. જેના કારણે નડિયાદ ગ્રામ્ય પોલીસને દોડી જવાની ફરજ પડી હતી. ખાસ કરીને યુવાનોને આર્થિક પ્રલોભન આપી નાણા મેળવ્યાં હોવાના આક્ષેપો થયા છે. આ એજન્સી ડેટા એન્ટ્રીનું કામ કરે છે. યુવાનોએ આક્ષેપો કર્યા છે કે, તેઓની પાસે 25 હજાર ઉઘરાવી અને કેપચાનો ઓટીપી આપી ડેટા એન્ટ્રીના કામ માટે લાલચ અપાતી હતી. શરૂઆતમાં આ એજન્સીએ માસિક 20 હજાર આપ્યા હતા. ત્યારબાદ 5 મહિનાથી એજન્સીએ નાણાં આપવાનું બંધ કરતા લોકોએ આજે ભારે હોબાળો મચાવ્યો છે. હોબાળો એટલી હદે વધતાં કે પોલીસને ઘટના સ્થળે દોડી જવું પડ્યું હતું. ભોગ બનનાર લોકોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી લગભગ 20 હજાર લોકો છેતરાયા છે.
નરેશ ગનવાણી : નડિયાદ