નડિયાદ ખાતે શહેરના વોર્ડ નં. ૧, ૩, ૪, ૫ અને ૬ ના નાગરિકો માટે પ્રગતિ નગર પ્રાથમિક શાળા ખાતે તથા ટુંડેલ ગામે પ્રાથમિક શાળા ખાતે ટુંડેલ, પીપલગ, ડુમરાલ, કેરીઆવી, પીપળાતા અને આખડોલ ગામના નાગરિકો માટે ૮ મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્યું કે નાગરિકોને જરૂરી તમામ સરકારી સવાઓ તેઓના ઘર આંગણે મળી રહે તે માટે સરકાર પ્રતિબધ્ધ છે. છેવાડના માનવી સુધી સરકારી યોજનાઓનો અને વિકાસના લાભો આપવા સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવે છે. શહેર તથા ગામના તમામ જરૂરીયાતમંદ નાગરિકોને તેઓની જરૂરીયાત મુજબની સરકારી સેવાઓનો મહત્તમ લાભ લેવો જોઇએ. તેઓ એ જરૂરતમંદ તમામ ગ્રામજનોને સરકારી લાભો મળે અને કોઇ ગ્રામજન સરકારી યોજનાના લાભથી વંચિત રહી ન જાય તે જેવા સરપંચ તથા સભ્યોને અનુરોધ કર્યો હતો. સૌએ સાથે મળી શહેર અને ગામનો વિકાસ કરવા તેઓ એ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહેસુલ વિભાગની મોટા ભાગની સેવાઓ, આરોગ્યને લગતી સેવાઓ, સમાજ કલ્યાણ, રોજગાર કચેરી, નગરપાલિકા અને ગ્રામ પંચાયત વિભાગ જેવી મહત્વના વિભાગોની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કાર્યક્રમમાં પંકજભાઇ દેસાઇ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
નડિયાદ શહેરના કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલા, નગરપાલિકાના સભ્યઓ, સીટી મામલતદાર, આરોગ્યના ઓફિસર તથા શહેરીજનો જયારે ટુંડેલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય, ગામના સરપંચ, સભ્યો, ગ્રામ્ય મામલતદાર આરોગ્ય હેલ્થ ઓફિસર નાયક સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ