ત્રણ દિવસમાં બે જિલ્લામાંથી ગોળા જેવો પદાર્થ મળ્યો સમગ્ર ચરોતર પંથકમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અવકાશમાંથી રાત્રિ સમયે મોટા ગોળા જેવો પદાર્થ પડવાની ઘટનાઓ બની રહી છે.
નડિયાદ તાલુકાના ભૂમેલ ગામની સીમમાં આવેલા પોલ્ટ્રી ફાર્મના ખુલ્લા વિસ્તારમાં ગત રાત્રે એક ગોળાકાર જેવો પદાર્થ અહીં ખાબક્યો હતો. મોડી રાત્રે ધડામ કરતો અવાજ આવતાં પોલ્ટ્રી ફાર્મમા સૂઇ ગયેલા મહેન્દ્રભાઈ પટેલ ઊંઘમાંથી જાગી ગયા હતા અને દરવાજો ખોલી જોતાં ખુલ્લામાં એક ગોળાકાર પદાર્થ પડ્યો હતો, જેમાંથી ધુમાડો પણ નીકળતો હતો. ભયભીત થયેલા મહેન્દ્રભાઈએ તરત પોતાના ઘરમાં જતા રહ્યા હતા અને વહેલી સવારે મહેન્દ્રભાઈએ આ વાતની જાણ ગામના સરપંચને કરી સરપંચે ઘટનાની જાણ ચકલાસી પોલીસને કરી હતી, જેથી પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી સ્થળ તપાસ કરી અવકાશી પદાર્થનો કબજો લઇ ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી હતી અને આ અંગેની જાણ એફએસએલને કરી હતી.
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના શીલી, ખાનકૂવા અને દાગજીપુરા બાદ નડિયાદ નજીક ભૂમેલ ગામમાં આવી ઘટનાઓ બનતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આણંદ કલેકટરે જણાવ્યું હતું આકાશમાંથી વરસી રહેલા ગોળા જેવા શંકાસ્પદ પદાર્થની તપાસ માટે ઈસરોની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. ઈસરોની તપાસ બાદ શંકાસ્પદ પદાર્થના રહસ્ય પરથી પડદો ઊંચકાય તેવી શક્યતા છે અને દાગજીપુરમાં અવકાશી પદાર્થ પડ્યો હતો, જે ગોળાકાર આકાર ધરાવતો પદાર્થ 5 થી 6 કિલો વજન ધરાવતો હતો. ચીમનભાઈના ખુલ્લા ખેતરમાં તેમજ અન્ય ખુલ્લી જગાઓમાં પડેલા આ પદાર્થને લઈ કોઈ જાનહાનિ કે નુકસાન નથી થયું. જેથી પ્રજાજનોએ કોઈ ગભરાવાની જરૂર નથી. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે આ અંગેનું પંચ રોજકામ કરાવી એફ.એસ.એલ ટીમ સાથે
વસ્તુની ખાતરી કરવામાં આવી છે તેમજ અમે પી.આર.એલ અને ઇસરોના પણ સંપર્કમાં છીએ, આ અવકાશી પદાર્થ કોઈ સેટેલાઈટનો ભાગ છે કે પછી રોકેટનો હિસ્સો છે એ અંગે તજજ્ઞો સાથે ચકાસણી કરાવી પ્રજાજનોને ચોક્કસપણે જણાવીશું.
નરેશ ગનવાણી : નડિયાદ