નડિયાદ બ્રહ્માકુમારી ખાતે ડૉ. આઈ.કે. વીજળીવાળા પધાર્યા હતા. તેઓએ “સુખની શોધ” વિષય પર વક્તવ્ય આપતા કહ્યું કે મનુષ્ય પૈસા પાછળ દોડે છે, પૈસા જરૂરી છે પરંતુ પૈસા જ જિંદગી બની જાય તે જરૂરી નથી. સંતોષ રાખતા શીખીએ. સંતોષ પ્રાપ્ત થાય તો ખાલીપો રહેતો નથી. ક્યાં ટકવું, ક્યાં અટકવું, ક્યાં છટકવું તે આવડી જાય તો લટકવું ના પડે. વસ્તુ, પૈસા મદદ કરવા માટે છે – તે જ સુખનો પર્યાય છે. સુખ લેવામાં નથી, આપવામાં છે. સુખ તો સાપેક્ષ છે. સુખ તો બધાને જોઈએ છે પરંતુ આપણે એને મૂઠ્ઠીમાં પકડી રાખ્યું છે. મૂઠ્ઠી ખોલો એમાં જ સુખની શરૂઆત છે. મારું-મારું રાખવામાં જ દુ:ખી થવાય છે. સુખનો સાગર પરમાત્મા છે તેની સાથે વાત કરો. તેમના અનુભવોના આધારે જણાવ્યું કે ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખો.
આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી પૂર્ણિમાદીદીના શુભ હસ્તે ડૉ. આઈ.કે. વીજળીવાળાનું સન્માન કરવામાં આવ્યું. બીપીનભાઈ પટેલે તેમનો આભાર વ્યક્ત કર્યો તથા સંસ્થાની સેવાકિય પ્રવૃતિઓથી ઉજાગર કર્યા અને રાજયોગ શિબિરની માહિતી આપી. નડિયાદ નગરના ડોક્ટર, સાહિત્યકાર, સમાજ સેવક, શિક્ષક સર્વેએ કાર્યક્રમનો લાભ લીધો.
નરેશ ગનવાણી : નડિયાદ