નડિયાદ ખાતે તા.૧૮/૦૪/૨૦૨૨ના રોજ હેલ્થ મેળોનો શુભારંભ ગુજરાત પંચાયત પરીષદના અધ્યક્ષ અને ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલના વરદ હસ્તે થયો હતો.
આ હેલ્થ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં તેમજ ગુજરાત રાજયમાં તાલુકા કક્ષાએ હેલ્થ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળા દરમ્યાન નાગરિકોને આરોગ્યને લગતી વિવિધ સારવારોનો લાભ, જાણકારી અને આરોગ્યને લગતા પ્રશ્નોની સલાહ, આરોગ્ય સંભાળ સેવાઓ, વિનામૂલ્યે તપાસ, વિના મૂલ્યે દવાઓ, એબીએચએ(હેલ્થ આઇડી), આયુષ્યમાન ભારત કાર્ડ, ટેલી-કન્સલ્ટેશન, ડાયાબિટીસ, હાઇ બી.પી., મોઢાંનું કેન્સર, મોતીયાબિંદની તપાસ, યોગ અને ધ્યાન જેવી વિવિધ સેવાઓ નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેનો મહત્તમ લાભ લેવા તેઓ એ અનુરોધ કર્યો હતો. તેઓ એ જણાવ્યું હતું કે, આપણી સરકારે છેવાડાના ગામડાના માનવીની આરોગ્યની સુખાકારી માટે પણ અધ્યતન સારવાર આપતા આરોગ્ય કેન્દ્રોની રચના કરી છે. ત્યાં સર્વ પ્રકારની આરોગ્યની સેવાઓ પુરતા પ્રમાણમાં મળે છે. સરકારી દવાખાનાની ઇમેજ પણ હવે સુધરી ગઇ છે. ગ્રામ્ય કક્ષાએ નાગરિકોએ પહેલા આ આરોગ્ય કેન્દ્રોમાજ પોતાની સારવાર નિઃશુલ્ક ધોરણે કરાવવી જોઇએ તેમ તેઓ એ ઉમેર્યું હતું તેમજ જે નાગરિકોને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જય કાર્ડ મળવા પાત્ર હોય તેઓએ નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઇ તે મેળવી લેવાનું રહેશે. કલેકટર કે,એલ.બચાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આરોગ્યનું મહત્વ નાગરિકોને કોરોના કાળ દરમ્યાન સારી રીતે સમાજમાં આવી ગયું છે. કોરોનાએ આપણને ઘણું શીખવ્યું છે. રોગો સામેની તકેદારી, રોગથી બચવાની પધ્ધતિઓ અને રોગ થયા પછી દર્દીની સારવાર એ ખબુ જ મહત્વના વિષયો છે. સરકારે કરોડા રૂપીયા ખર્ચીને આરોગ્યલક્ષી સેવાઓ ઓકસીજન, બેડ્સ, રસી,એમ્બ્યુલન્સ જેવી અનેક જરૂરી સગવડો ગ્રામ્ય કક્ષા સુધી ઉપલબ્ધ કરાવી છે. ત્યારે હવે આપણે રોગ ના થાય તેની તકેદારી રાખવાની અને રોગ થાય તો યોગ્ય સારવાર કરાવવાની છે. નાગરિકોની સુવિધા માટે જન જાગૃતિ કેળવવાની પણ જરૂરી છે.
આ પ્રસંગે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી કાર્ડના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.જયારે ઇપ્કોવાલા હોલની બહાર વિવિધ વિભાગોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા તેનો નાગરિકોએ મહત્તમ લાભ લીધો હતો તેમજ મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઇ તલસ્પર્શી વિગતો મેળવી હતી.આ પ્રસંગે ઇનચાર્જ આરોગ્ય અધિકારી ડૉ.કાપડીયાએ હેલ્થ મેળાના આયોજનની માહિતી આપી તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. તાલુકા આરોગ્ય અધિકારી ર્ડા. વિપુલભાઇ પટેલએ આભાર દર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવે, ર્ડા.ઠાકર, ર્ડા. હર્ષદભાઇ નાયક. ડૉ.અલ્પેશભાઇ, શ્રી જી.બી.મેધા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, આશાબહેનો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ