ગુજરાત સરકાર તથા ભારત સરકાર સંસ્કૃત સંસ્કૃતિના જતન માટે પ્રતિવર્ષ વિવિધ શાસ્ત્રોની સ્પર્ધાઓનું આયોજન કરે છે. વૈદિક સંકુલ ભરૂચ ખાતે આયોજીત રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદના 17 વિદ્યાર્થીઓ પૈકી 10 વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તમ પ્રદર્શન કરી સફળતા પ્રાપ્ત કર્યા પછી રાષ્ટ્રીયસ્તરીય સ્પર્ધાનું કર્ણાટકના બેંગલોરમાં કર્ણાટક સંસ્કૃત વિશ્વવિદ્યાલય ખાતે આયોજીત સ્પર્ધામાં રાજ્યસ્તરીય સ્પર્ધામાં પ્રથમ આવેલા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીયસ્તરીય સ્પર્ધામાં ભાગ ગ્રહણ કરેલ.
આ રાષ્ટ્રીયસ્તરીય સ્પર્ધામાં પણ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદનાં ઋષિકુમારો ઉત્તમપ્રદર્શન કરી, શ્લોક-અન્ત્યાક્ષરી સ્પર્ધામાં સંપૂર્ણ ભારતમાં શિવમ યોગેશભાઈ જોષીએ પ્રથમ ક્રમ તથા ધર્મશાસ્ત્ર ભાષણમાં દ્વિતીય ક્રમ અને પુરાણેતિહાસશલાકામાં આદિત્ય હસમુખભાઈ ઉપાધ્યાયે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી જળહળતી સિદ્ધિ મેળવી હતી. આમ બન્ને વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યનાં નામ સાથે બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયનું ગૌરવ વધાર્યું હતું. આ અનેરી સિદ્ધિ માટે બ્રહ્મર્ષિ સંસ્કાર ધામનાં આર્ષદ્રષ્ટા પદ્મશ્રી, ડૉ. ડાહ્યાભાઈ શાસ્ત્રીજી દ્વારા આશીર્વાદ તેમજ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયનાં પ્રધાનાચાર્ય, ડૉ.અમૃતલાલ ભોગાયતાજી દ્વારા તથા અધ્યાપક ઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. આ પ્રંસગે બ્રહ્મર્ષિ પરિવારમાં આનંદની લાગણી છવાઇ હતી.
નરેશ ગનવાણી : નડિયાદ