નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટના ગુનાનો તમામ મુદ્દામાલ શોધી કાઢી આ ગુનાનો ભેદ એલસીબી પોલીસે ઉકેલ્યો છે.
અમદાવાદના ઓઢવથી હાલોલ સ્ટીલનો ભંગારનો જથ્થો લઇ જતી ટ્રક નડિયાદ નજીકથી લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થયા હતા. આ ટ્રકમાં દેખરેખ માટે રાખેલા એક મજૂરને નડિયાદ નજીક ખેતરમાં બાંધી લૂંટારુ ટોળકી ટ્રક લઈને ફરાર થઈ હતી. જેમાં ટ્રક ચાલક સહિત 5 ઈસમોએ આ લૂંટને અંજામ આપ્યો હતો. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા રીન્કુભાઈ જગરુપભાઈ શર્મા પોતે મજુરી કામ કરી ગુજરાન ચલાવે છે. તેઓ અહીંયા મનીભદ્ર સ્ટીલની ફેક્ટરીમાં રહી અને મજૂરી કામ કરે છે. આ ફેક્ટરીમાં કે જે સ્ટિલનો સ્ક્રેપ નકામો હોય તેને ફરીથી સ્ટીલની પ્લેટો બનાવવા માટે આ ભંગારને હાલોલ મુકામે મોકલવામાં આવે છે. આ ફેક્ટરીમાંથી અંદાજે 25 ટન જેટલું એસએસ સ્ટીલનો સ્ક્રેપ હાલોલ મુકામે લઈ જવાનો હતો. જેથી ફેક્ટરીના માલિક ભરતભાઈ ચોપડાએ ટ્રક અશોક લેલન (GJ 27 TT 6250) ગત 29 મી માર્ચના રોજ મંગાવી હતી. બાદમાં આ ભંગારનો જથ્થો ઉપરોક્ત ટ્રકમાં લોડ કરી ફેક્ટરીમાં મજુરી કામ કરતા રીન્કુભાઈ તથા ટ્રક ચાલક અમરસિંહ 30 મી માર્ચના રોજ હાલોલ મુકામે જવા રવાના થયા હતા.
અમદાવાદના ઓઢવ રીંગરોડ પાસેથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આ ટ્રક પહોંચતા ટ્રક ચાલક અમરસિંહે ટ્રકને રોકી હતી અને એક્સપ્રેસ હાઇવે પર ઉભેલા ચાર વ્યક્તિઓને પોતાની ટ્રકનાં કેબિનમાં બેસાડ્યા હતા. ટ્રક નડિયાદ નજીક આવતા ટ્રકમાં બેઠેલા ચાર વ્યક્તિઓ રીન્કુભાઈ શર્માને એકાએક મારવા લાગ્યા હતા. ત્યારબાદ ટ્રક ચાલક અમરસિંહે પણ ટ્રકને થોભાવી રીન્કુભાઇને માર મારી ટ્રકની કેબિનમાંથી નીચે ઉતારી દીધા હતા.
25 ટન જેટલું સ્ક્રેપ કિંમત રૂપિયા 67 લાખ તથા ટ્રક મળી કુલ 72 લાખની મતાની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થયા છે. આ બનાવ સંદર્ભે રીન્કુભાઈ શર્માએ નડિયાદ ટાઉન પોલીસ મથકે જાણ કરતા પોલીસે તેમની ફરિયાદના આધારે લૂંટનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી ઉદાનાથ ગોપીનાથ જોગી રહે. બાગજણા, સ્કૂલ પાસે તા.માંડલ જિ. ભિલવાડા રાજસ્થાન, પ્રતાપસિંહ જેઠસિહ ચૌહાણ રહે.કાગમાલ ટાવર પાસે, તા.બ્યાવર,જિ. અજમેર, રાજસ્થાન અને દયાલસિગ મીઠુંસિંઘ રાવત રહે.કાગમાલ ટાવર પાસે, તા.બ્યાવર,જિ. અજમેર, રાજસ્થાનને ઝડપી પાડ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ