નડિયાદમાં સરદાર સ્ટેચ્યુ પાસે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા પેટ્રોલ ડીઝલ રાંધણગેસના વધતા જતા ભાવ અને જીવન જરૂરિયાતની વસ્તુઓમાં મોંઘવારીના કારણે વિરોધ દર્શાવ્યો હતો.
નડિયાદના શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ આ તકે જણાવે છે કે હાલના સંજોગોમાં મોંઘવારી બેકાબુ બની છે, રોજબરોજ પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસના ભાવમાં વધારો કરવામાં આવે છે. મધ્યમ વર્ગીય પરિવારોને જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બને છે. અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ, તેલના ભાવમાં સતત વધારો કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે આથી મધ્યમ વર્ગીય પરિવારોને આવકમાં કોઈ વધારો થતો નથી અને મોંઘવારીના મારને કારણે ખર્ચમાં સતત વધારો થતો રહે છે જેના કારણે સામાન્ય માણસોને જીવન જીવવું મુશ્કેલ બની જાય છે. આવા સંજોગોમાં યુવાનો તેમજ ખેડૂતો વેપારીઓમાં આત્મહત્યાના બનાવો વધુ પડતા બનતા રહે છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ કે જીવન જરૂરિયાતની વસ્તુઓ શાકભાજી, અનાજ, કઠોળ, તેલ સહિતના વપરાશમાં ધરખમ મોંઘવારીનો માર સામાન્ય પ્રજા ખમી શકે તેમ નથી તેમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા ભાવ વધારાને કંટ્રોલમાં લાવવા માટે કોઈ પગલાં ભરવામાં આવતા નથી. આવા સંજોગોમાં દેશમાં વસ્તી ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવે તે સહિતના મોંઘવારી વિષયક આક્ષેપ નડિયાદના કોંગ્રેસી પ્રમુખે કર્યા છે. નડિયાદ કોંગ્રેસી કાર્યકર્તા દ્વારા ધરણા કરાતા નડિયાદ ટાઉન પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ
નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કર્યો.
Advertisement