સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે નડિયાદના કેરીયાવી ગામે દરોડો પાડી વિદેશી દારૂનો ધંધો કરનાર બુટલેગરના મળતિયાને પકડી પાડ્યો છે. કુલ રૂપિયા ૧ લાખ ૨૨ હજાર ૧૨૦ નો મુદ્દામાલ કબ્જે કરી બે સામે ગુનો નોંધ્યો છે. દરોડામાં બુટલેગર વોન્ટેડ છે
રાજ્યની સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકના વિસ્તારમાં આવતા કેરીયાવી ગામે બુટલેગર દારૂનુ વેચાણ કરે છે. જેથી પોલીસે ગઇકાલે જગ્યા પર પહોંચ્યી તપાસ કરી હતી. જ્યાં કેનાલ પાસેથી ટુ વ્હીલર વાહન સાથે એક વ્યક્તિ ઊભો હોય પોલીસે તેને ઝડપી તલાસી લેતા ડેકીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે આ વાહન ચાલક ભાવિન ઉર્ફે પપ્પુ હિંમતભાઈ સોલંકી રહે.આનદપુરા, કેરીયાવીની ધરપકડ કરી તપાસ કરતા વધુ દારૂનો જથ્થો તેના કૌટુંબિક કાકાના દિકરાના ઘરમાં છુપાયા હોવાની કબુલાત કરતા પોલીસ નજીક આવેલ ઘરની તલાસી હાથ ધરી હતી.
તપાસ દરમિયાન રસોડાના માળિયા પરથી પણ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે ગણતરી કરતા ૬૫ હજાર ૧૨૦નો વિદેશી દારૂ તેમજ એક ટુ વ્હીલર વાહન તથા મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧ લાખ ૨૨ હજાર ૧૨૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂ કોણ આપતો હતો તે દિશામાં પોલીસે પકડાયેલા આરોપીની પુછપરછ કરતા ગામનો પ્રવિણ ઉર્ફે લોટીયો કાંતિભાઈ સોલંકી (રહે.આનદપુરા, કેરીયાવી) નામનો બુટલેગર સપ્લાય કરતો હતો. વધુ પુછપરછમાં આ બુટલેગર પ્રવિણ ઉર્ફે લોટીયો રોજના ૫૦૦ રૂપિયા આપી તેના મળતિયા ભાવિન ઉર્ફે પપ્પુ સોલંકીને ઊભો કર્યો અને દારૂ વેચતો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. આથી પોલીસે આ બંને સામે ગુનો નોંધી વોન્ટેડ આરોપી પ્રવિણ ઉર્ફે લોટીયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
નરેશ ગનવાણી : નડિયાદ