નડિયાદની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ અને નડિયાદની તમામ કોર્ટ ફિઝીકલ રીતે ચાલુ કરવા નડિયાદ બાર એસોસિએશન દ્વારા ડિસ્ટ્રિક્ટ જજ નડિયાદને આવેદનપત્ર આપી માંગ કરાઇ છે.
નડિયાદ બાર એસોસીયેશને આપેલા આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ખેડા જિલ્લાની કોર્ટને કોરોના કાળમાં તબક્કાવાર લોકડાઉન સ્વરૂપે બંધ કરી વર્ચ્યુઅલ રીતે કામગીરી ચલાવવાની એસ.ઓ.પીની અમલવારી કરાઈ હતી. કોર્ટોની ફિઝીકલ કામગીરી ઘણા સમયથી બંધ કરવામાં આવેલી છે. જેના કારણે વકીલોને તેમજ ખાસ કરીને જુનીયર વકીલ મિત્રોને આર્થિક મુશ્કેલીઓનો ગંભીર સામનો કરવો પડે છે અને લગભગ બેકારી જેવી પરિસ્થિતીમાં મુકાઇ ગયા હોવાથી કુટુંબના ભરણપોષણનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે. જેથી હાઇકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવતી વર્ચ્યુઅલ એસ.ઓ.પી કામગીરી અંગે પુરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કનેક્ટીવીટીના અભાવે ન્યાયિક પ્રક્રિયામાં, સુનાવણીમાં ખુબ જ અગવડતા પડે છે. ગુજરાત રાજ્યની અન્ય સરકારી કચેરીઓ-સેમી ગવર્મેન્ટ કચેરીઓ રાબેતા મુજબ ચાલી રહી છે. ખેડા જિલ્લામાં હાલમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે. જેથી નડિયાદની ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ કોર્ટ ફિઝીકલી રીતે શરૂ કરવી જોઇએ અને કોર્ટો પુન: નિયમીત ચાલુ કરવી જોઇએ તેવી વકીલોની તીવ્ર માંગણી છે.
વધુમાં જિલ્લા કોર્ટ અને તેના તાબાની તાલુકા કોર્ટો, ટ્રાયલ કોર્ટ કહેવાય અને ત્યાં સાક્ષીઓ તપાસવા પડે, દસ્તાવેજી પુરાવાઓ ચકાસવા પડે, હાથબીડાઓ મેળવવા, યાદીઓ મેળવવા આ બધા કાર્યો માટે ફીઝીકલી કામગીરી હોય છે. આ કામો સરળ મેન્યુઅલ મુજબ રહે તે સંજોગોમાં પણ નડિયાદની કોર્ટો ફિઝીકલી શરૂ કરવા માંગણી કરી છે.