વસો તાલુકાના પીજ ગામે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર (વડતાલ તાબાના) નો ૮૮ મો વાર્ષિક પાટોત્સવ તા.૩ માર્ચ થી ૭ માર્ચ દરમ્યાન ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાશે. આ પ્રસંગે રામચરિત માનસ અંતર્ગત બાલકાંડની કથાનું આયોજન કરવામાં આવેલ છે. જેના વક્તાપદે સંપ્રદાયના વિદ્વાન વક્તા પૂ.શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) તેમજ પૂ.શાસ્ત્રી શ્રી પ્રિયદર્શનદાસજી સ્વામી (પીજ) બિરાજી કથામૃતનું રસપાન કરાવશે.
પીજ મંદિરના કોઠારી શાસ્ત્રી શ્રી વિશ્વવલ્લભદાસજી સ્વામીએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, ૮૮ મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે મનોજભાઈ છોટાભાઈ પટેલ પરિવારના યજમાનપદે પંચદિનાત્મક મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામજીના દિવ્યચરિત્રોથી સભર રામચરિત માનસ અંતર્ગત બાલકાંડની કથામૃતનું આયોજન કરવામાં આવે છે. તા.૩ માર્ચના રોજ બપોરે ૨:૦૦ કલાકે પીજ સ્વામિનારાયણ મંદિરેથી પોથીયાત્રા નીકળી કથા સ્થળે જશે. બપોરે ૩:૩૦ કલાકે દિપ પ્રાગટ્ય અને ૪:૦૦ કલાકે કથાનો પ્રારંભ થશે. તા.૪ ના રોજ સાંજના ૫ઃ૩૦ કલાકે શ્રીરામ પ્રાગટ્યોત્સવ, તા.૫ ના રોજ સવારે ૭:૦૦ કલાકે બટુક (યજ્ઞોપવિત) વિધિ શરૂ થશે. જેમાં ૧૨ બ્રાહ્મણ બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવશે. તા.૬ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે સીતા સ્વયંવર સાંજે ૬:૦૦ કલાકે જળયાત્રા કપિલેશ્વર મહાદેવનજી થી નીકળી મંદિર જશે. તા.૭ ના રોજ સવારે ૬:૦૦ કલાકે દેવોનો અભિષેક, ૭:૩૦ કલાકે અભિષેક આરતી સવારે ૧૦:૦૦ કલાકે આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનું આગમન અને ૧૧:૦૦ કલાકે કથા પૂર્ણાહુતિ અને ૧૧:૩૦ કલાકે અન્નકૂટ આરતી યોજાશે. કથાનો સમય દરરોજ બપોરના ૩:૦૦ થી ૭:૦૦ દરમ્યાન કથા સ્થળ બચાભાઈની ખડકી (આથમણા પાસા) પીજ મુકામે યોજાશે.
નરેશ ગનવાણી : નડિયાદ