નડિયાદની સેસન્સ અદાલતમાં સગા ભાઈ-ભાભીનું ખૂન કરી પોલીસને ગેરમાર્ગે દોરનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી સમાજમાં દાખલો બેસાડયો છે.
નડિયાદ સેશન્સ કોર્ટે આજે ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો છે. જેમાં વર્ષ 2017 મા જિલ્લાના મહુધા તાલુકાના અલીણા ખાતે ચકચારી ડબલ મર્ડરના ગુનામાં આરોપીને ફાંસીની સજા તથા દંડ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો છે. સગા ભાઈ-ભાભીની હત્યા કરનારા ખુદ નાના ભાઈને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આરોપી વિપુલ પટણીને પોતાના સગા મોટાભાઈ અને ભાભીની હત્યાના ગુનામાં આઈપીસી 302 ના ગુનામાં ફાંસીની સજા તથા 50 હજાર દંડનો હુકમ, આઈપીસી 328 ના ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા અને 50 હજાર દંડ, તો વળી આરોપીએ મરણજનાર ટિવકલના પિતાને 4 લાખ વળતર પેટે ચૂકવવી આપવા હૂકમો કર્યો છે. આ કેસમાં વિકી પટણી તથા તેમની પત્ની ટ્વિંકલ બંને એક જ સમાજના હોવાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને બન્નેએ પ્રેમ લગ્ન કરી લીધા હતાં. જોકે બન્નેએ ભાગીને પ્રેમ લગ્ન કરતા વિકીના માતાપિતા ના ખુશ હતાં. લગ્ન પહેલા વીકી તથા ટિવકલ બન્ને અમદાવાદ રહેતા હતા પણ લગ્ન બાદ આ લોકો પોતાના ગામડે ગામે રહેવા આવ્યા હતા આથી વિપુલ પટણીને સમાજમાં ઘણું વેઠવું પડતું હોય આથી સગા ભાઈ-ભાભીનું કાસળ કાઢી ખૂન કરવાનું ઈરાદાપૂર્વક નક્કી કરેલ હોય ત્યારે વિપુલે પ્રિપ્લાનીગથી સમગ્ર તખ્તો તૈયાર કર્યો અને અમદાવાદની સિવિલ હોસ્પિટલ જઈ પોતાના ભાઈ ભાભીનો કેસ કઢાવી આ પેપર મારફતે ઊંઘની ગોળીઓ મેળવી હતી. આ ગોળીઓ વધુ પ્રમાણમાં મેળવી અમદાવાદ પાનાકોર નાકાવિસ્તારમાં જર્મની સ્ટીલ સીજર નામની દૂકાનેથી લોખંડનો છરો ખરીદેલો હતો. આ છરાની ધાર દુકાનદાર પાસે વારંવાર કઢાવી તે છરો લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી લીધેલા ગોળીઓને પાણીમાં ઓગાળી પ્રવાહી બનાવી આ દિવસે સાંજના સમયે અમદાવાદથી ખાત્રજ આવ્યો હતો. ત્યાં ચોકડી ખાતે એક ભજીયાની લારીવાળા પાસે વિપુલે બેસનના ભજીયા બનાવ્યાં હતાં. જેના ખીરામાં ઉપરોક્ત ઘેનનુ પ્રવાહી ભેળવ્યુ હતુ. આ તૈયાર કરેલા ભજીયા તે પોતાના ભાઈ વિકીના ઘરે લઈ ગયો હતો. આ પહેલા તેણે પોતાના ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે, તારા માટે ભજીયા લઈ આવુ છું. રાત્રે વિકી અને તેની પત્ની ટ્વિકલે ભજીયા આરોગ્યા બાદ બન્ને બેભાન થઈ ગયા હતા. આ સમયે હાજર વિપુલે પોતાના ભાઈના હાથપગ બાંધી ઉપરા છાપરી છરાના ઘા ઝીંકી દીધા હતા અને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આજ રીતે તેની ભાભીને પણ મોતને ઘાટ ઉતારી દીધી હતી.જે પછી જાતને જાતે પોતાના ડાબા હાથના કાંડા પર ઘા કરી વીકીના મકાનમાં આવેલા બાથરૂમમા અંદર જઈ પુરાય ગયો હતો. વિપુલે પોતે બાથરૂમના દરવાજાનુ નકુચાના કાણામાંથી દોરો પરોવી દરવાજાને બહારથી સ્ટોપર લગાવી હતી. આ બાદ બુમાબુમ કરી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહુધા પોલીસને બોલાવી હતી. જે બાદ આરોપી વિપુલે પોલીસને ગેરમાર્ગે દોરી તપાસ અવળી દિશામાં મોકલવા મનમાં આવેલી કહાની નિવેદનમાં આપી હતી. તેણે પોલીસને જણાવ્યું કે, 5 અજાણ્યા બુકાનીધારી શખ્સો તલવાર લઈ ઘરમા પ્રવેશ કરી પોતાના ભાઈ ભાભીને કઈક સુંઘાડી પાડી દીધા હતા અને પોતે બચાવવા જતાં તેને હાથના ભાગે ઈજા કરી સુંઘાડી બાથરૂમમાં પુરી દીધો હતો. જેવા નિવેદન પોલીસને આપ્યાં હતા. જોકે પોલીસની પૂછપરછ દરમિયાન નિવેદનો પર વિપુલ મક્કમતા નહોવાથી પોલીસને શંકા ગઈ હતી. જે બાદ આ દિશામાં તપાસ દોડાવતાં વિપુલે પોતાનો ગુનો કબુલ કર્યો હતો. આ બાદ પોલીસે જોઈતા પુરાવાઓ રજૂ કરી આરોપી વિપુલ પટણી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કોર્ટે રેરેસ્ટ ઓફ ધી રેરનો ગુનો ગણી આરોપી વિપુલ પટણીને આ ગુનામાં ફાંસીની સજાનો હુકમ કર્યો છે.
નરેશ ગનવાણી : નડિયાદ