ડાકોર નાની ભાગોળમાં રહેતા ભાવેશ ઉર્ફે ભાંગો અશોકભાઈ બીનબારભાઈએ ગત તા.૧૬-૭-૨૦૧૯ ના રોજ રાત્રીના સુમારે ડાકોર ગોમતીઘાટ પર સુઈ રહેલ વિનોદ જગુભાઈ વસાવાને તુ છેલ્લા ઘણા દિવસથી મારી સાથે માથાકુટ કરે છે, આજે તો તને પુરો કરી દઈશ તેમ કહી લાકડાના ડંડાથી વિનોદભાઈના માથામાં ફટકો મારી મોત નિપજાવ્યું હતું. બાદમાં ભાવેશ ડાકોર આંબાવાડી પથિકાશ્રામ પહોંચ્યો હતો જ્યાં ગોપાલ ઉર્ફે રામપ્યારી રાયમલભાઈ પટણીને આ ડંડાથી હમણાં જ ગોમતી પર વિનોદ વસાવાને મારીને આવેલ છું, મારૂ નામ લઈશ નહીં તેમ કહી વિનીયાને તો પતાવી દીધો છે હવે તને પણ પતાવી દઈશ તેમ કહી ડંડાથી માથામાં ફટકો મારી ચામડી ફાડી નાંખી, બંને હાથ પર ડંડાથી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. આ કેસ નડિયાદના એડી.સેશન્સ પી.પી.પુરોહિતની કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપી ભાવેશને આજીવન કેદની સજા ફટકારી હતી.
ઈપીકો કલમ ૩૦૨ હેઠળ આજીવન કેદની સજા તથા રૂ. દસ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની ન સજા, ઈપીકો કલમ ૩૨૫ ના ગુનામાં પાંચ વર્ષની સખત કેદની સજા, પાંચ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા, ઈપીકો કલમ ૩૨૪ ના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદની સજા, ત્રણ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા, ઈપીકો કલમ ૫૦૬(2)ના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદની સજા, ત્રણ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજાનો હુકમ કર્યો હતો.
નરેશ ગનવાણી : નડિયાદ