નડીયાદની વિધિ જાદવ ખાસ કરીને દેશની સેવા કરતા કોઇ જવાન શહીદ થઈ જાય એ ઘટના વિધિના ધ્યાનમાં આવે કે તુરત જ તે આ દેશની સુરક્ષા માટે પોતાનો આધાર ગુમાવી બેઠેલા પરિવારને મળવા અને મદદરૂપ બનવાનું આયોજન કરે છે. એનો પોતાનો પરિવાર કંઈ માલેતુજાર નથી. મધ્યમ કે કદાચ ઉચ્ચ મધ્યમ વર્ગમાં મૂકી શકાય એવો એનો પરિવાર છે. પરંતુ ઘણીવાર કોઈ દાતા ના મળે તો આ પરિવાર પોતે આર્થિક ભારણ વેઠીને વિધિની સૈનિક પરિવાર પ્રત્યે સહૃદયતાની આ પ્રવૃતિ ચાલુ રાખવામાં પીછેહઠ નથી કરતો.
નડિયાદની વિધિ જાદવ હાલ રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબના શહિદ થયેલા આપણા દેશના સૈનિકોના પરિવારોની મુલાકાતે છે. વિધિ જાદવે અત્યાર સુધી ૧૬૦ થી વધુ શહીદ પરિવારોની મુલાકાત લીધી છે. પોતાના ક્ષેત્રમાં નામાંકિત અને સમર્પિત દિકરી વિધિ જાદવ સરહદ પર શહીદ થતા દેશના સપુતો પ્રતિ સંવેદના તથા ફૂલની પાંખડીરૂપ નાણાંકીય સેવા માટે વરસોથી સક્રિય છે. આટલું જ પૂરતું નહિ પણ લાંબાગાળાના લાગણીસભર સંબંધોથી વતન માટે શહીદ થનાર પરિવારોને મદદરૂપ બને છે. ૧૯ વર્ષીય વિધિ જાદવ વેકેશનમાં હિલસ્ટેશન કે પ્રવાસધામ પર ન જતાં આવા દેશના માટે શહીદ થયેલા જુવાનના કુટુંબ વચ્ચે જઈ પોતાપણું બતાવીને તેમની સંવેદનાના દુ:ખને હળવું કરે છે.
શહીદ થયેલા જવાનોના પરિવારોને વિધિ આત્મિયતા અને સંવેદનાથી મળે છે અને પોતાપણું બતાવે છે. વિધિના આગમનને દરેક શહિદ પરિવારે હર્ષ, આનંદ અને ગર્વથી વધાવે છે.વિધિની વિદાય વેળાએ આ પરિવારોના ગર્વમાં છુપાયેલી વેદના પણ જોવા મળી હતી. વિધિ આ તમામ પરિવારો માટે ગુજરાતી ફરસાણ પણ લઈ ગઈ હતી.
વિધિ જાદવના માનવતા અને સંવેદનાસભર આ વિરાટકાર્યને સમાજે બિરદાવી શહીદ વીરોના પરિવારો માટેના રાષ્ટ્રભક્તિના આ યજ્ઞમાં આર્થિક આહુતિ આપી શહીદ સૈનિક પરિવારોને મદદરૂપ થઈ દેશનું ઋણ અદા કરવું જોઈએ. દુનિયામાં પોતાના હોય તેના પ્રત્યે આદર, લાગણી અને સંવેદના તો સૌને હોય,પરંતુ જેમની સાથે કોઈ લેવાદેવા ન હોય તેમ છતાં તેમના હિત અને કલ્યાણ માટે પ્રયત્નશીલ હોય તેવા માનવો જ માનવ ગરિમાનું સાચું માધ્યમ બનતા હોય છે. સો સો સલામ છે, નડિયાદની આ દીકરીને.
નરેશ ગનવાણી : નડિયાદ