ચરોતરના નડિયાદમાં માસૂમ બાળકના વેપારનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે બાળકને જન્મ આપનારી માતા અને બાળકોનો સોદો કરનાર ત્રણ મહિલાઓ સહિત ચાર મહિલાઓની અટકાયત કરી છે. આ મહિલાની ટોળકી પરપ્રાંતમાંથી ગર્ભવતી ગરીબ મહિલાઓને અહીં લાવી બાળકનો જન્મ થાય એટલે નજીવી રકમ આપી બાળકી મેળવી લેતી અને બાદમાં ઊંચી કિંમતે વેચી નાખતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના સંતરામ શાકમાર્કેટ નજીક મુળ બહારની અને હાલ નડિયાદ સ્થાઈ થયેલી માયાબેન લાલજીભાઈ દાબલા રહે. 104, કર્મવીર સોસાયટી, પીજ રોડ, નડિયાદ ત્યાં આવવાના છે. આ મહિલા પરપ્રાંતિય ગરીબ ઘરની ગર્ભવતી મહિલાઓને નડિયાદ લાવી તેણીને મોટી રકમની લાલચ આપી ડીલીવરી કરાવે છે. જે બાદ તેના બાળકને ઉંચી કિંમતમાં એજન્ટો મારફતે વેચાણ કરતી હોવાની માહિતી એસ.ઑ.જીને મળી હતી.
બાળક ખરીદવા માટે તૈયારી બતાવતા જ ત્રણ પૈકીની એક મહિલા બાળક લઈને આવી હતી. જેથી પોલીસે રંગેહાથે કોડન કરી આ ત્રણેય મહિલાઓની ધરપકડ કરી હતી. જે પછી પુછતાછમાં આ બાળક નાગપુર ખાતે રહેતી મહિલા જે હાલ નડિયાદ કિડની હોસ્પિટલ સામે આવેલ કંમ્ફ્રટ હોટેલમાં રોકાઈ હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે આ ત્રણેય મહિલાઓને સાથે રાખી ઉપરોક્ત હોટેલમાં જઈ રૂમ નં. 203માંથી આ મહિલાની અટકાયત કરી છે. જેમાં તેણીનું નામ પુછતાં તેણે પોતાનું નામ રાધિકાબેન રાહુલ ગેડામ રહે. નાગપુર હોવાનું કબુલ્યું છે.બાળકની માતાની પૂછપરછ કરતા તેને નાણાંની જરુરિયાત હોવાથી માયા, મોનિકા અને પુષ્પા સાથે સંપર્ક કર્યા બાદ દોઢ લાખ રૂપિયામાં બાળકનો સોદો કરાયો હતો. પોલીસે માયા, મોનિકા અને પુષ્પાની સાથે બાળકની માતાની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ટોળકી પરપ્રાંતમાંથી ગરીબ મહિલાઓને અહીં લાવી ડિલિવરી કરાવતી હતી. ત્યારબાદ તેને અમૂક રકમ આપી બાળક મેળવી લેતી અને અહીં બાળક મેળવવા ઈચ્છતા લોકો પાસેથી ઊંચી કિંમત લઈ બાળકનું વેચાણ કરી નાખતી. પોલીસની તપાસમાં આ મામલે વધુ ચોંકાવનાર ખુલાસા થઈ શકે છે.