ગઈકાલે મોડી રાત્રે મુંબઈના ગોરેગાંવના આઝાદ નગરમાં સમર્થ નામની 7 માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સવારે 2.30 થી 3 વાગ્યાની વચ્ચે બિલ્ડિંગના પાર્કિંગમાં લાગેલી આગને કારણે 40 થી વધુ લોકો દાઝી ગયા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 7 લોકોના મોત થઈ ચૂક્યા છે અને બે ની હાલત ગંભીર જણાવાઈ રહી છે.
બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરેલી 4 કાર અને 30 થી વધુ બાઇક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી, ફાયર બ્રિગેડની 10 થી વધુ ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, હાલમાં કુલિંગનું કામ ચાલી રહ્યું છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર લોકો, બિલ્ડિંગના પાર્કિંગમાં ઘણું બધું જૂનું કાપડ રાખવામાં આવ્યું હતું, જેમાં આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. થોડીક જ વારમાં આખા પાર્કિંગ અને બિલ્ડિંગના પહેલા અને બીજા માળને આ આગે લપેટમાં લઈ લીધું. જોકે પોલીસ અને ફાયર બ્રિગેડ આગના કારણની તપાસ કરી રહી છે.