મહારાષ્ટ્રમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી અને તેમના કબજામાંથી લગભગ 50 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો જપ્ત કરી હતી. એક અધિકારીએ શુક્રવારે આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું કે, બંને આરોપીઓ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજના રહેવાસી છે. ગુરૂવારે રાત્રે ગુપ્ત માહિતીના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી એક લાખ રૂપિયાથી વધુની રોકડ પણ મળી આવી હતી.
અધિકારીએ કહ્યું, માહિતી મળ્યા પછી, નવી મુંબઈના ખારઘર પોલીસ સ્ટેશનની એક ટીમે બંનેને પકડી લીધા હતા. તેમની તલાશી દરમિયાન તેમની પાસેથી રૂ.500 ની કુલ 9,981 નકલી નોટો મળી આવી હતી. તે નોટો પર કોઈપણ સિરિયલ નંબર વગર ‘ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા’ લખેલું હતું. તેને જપ્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, જપ્ત કરાયેલી નોટો બિલકુલ અસલી જેવી જ દેખાતી હતી. આરોપીઓએ રૂ. 49,90,500 ની આ નોટોને બજારમાં ચલાવવાની યોજના બનાવી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ઉસ્માન દુશપ સાહા (ઉં.40) અને અબ્દુલ હસન તુર્ક (ઉં.41) નામના બે આરોપીઓ પાસેથી 1,09,500 રૂપિયા રોકડ પણ મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 420 (છેતરપિંડી), 489 (b) (અસલી, બનાવટી અથવા નકલી ચલણી નોટ અથવા બેંક-નોટ તરીકે ઉપયોગ કરીને) અને 34 (સામાન્ય હેતુ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.