ભારતીય શેરબજાર આજે ઐતિહાસિક ઊંચાઈને સ્પર્શી ગયું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (Nifty 50) એ તેના જૂના ઓલ ટાઈમ હાઈ રેકોર્ડને પાછળ છોડીને નવી ઊંચાઈ હાંસલ કરી છે.
નિફ્ટી બુધવારે પ્રી-ઓપનમાં 18,900 ની ઉપર ખુલ્યો હતો. આ અગાઉ નિફ્ટી 18,887.60 પોઈન્ટ સાથે ઓલ ટાઈમ હાઈ હતો. નિફ્ટીએ 142 સેશન બાદ આ ઈતિહાસ રચ્યો છે. તમને જણાવી દઈએ કે, નિફ્ટીએ આ અગાઉ પોતાનો ઓલ ટાઈમ હાઈ 18,887 પોઈન્ટ ઓક્ટોબર 2021માં બનાવ્યો હતો.
છેલ્લા કેટલાક સેશનથી નિફ્ટી સતત ઓલ ટાઈમ હાઈ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ આજે નિફ્ટીએ અગાઉના તમામ રેકોર્ડ તોડીને નવી ઊંચાઈ પર પહોંચી ગયો છે. આ વચ્ચે સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.
હાલમાં ભારતીય શેરબજાર નવી ઊંચાઈએ ટ્રેડ થઈ રહ્યું છે. સવારે 9:40 વાગ્યે સેન્સેક્સ 63600 પોઈન્ટની નજીક હતો. જ્યારે નિફ્ટી 18900 ની આસપાસ રહ્યો છે. આ દરમિયાન નિફ્ટી-50માં અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટના શેરમાં તેજી જોવા મળી રહી છે.
આ સિવાય ટાઈટન, JSW સ્ટીલ અને બજાજ ફાઈનાન્સના શેર પણ દોઢ ટકા સુધી મજબૂત છે. જોકે ખાનગી બેંકોના શેરમાં મામૂલી દબાણ જોવા મળી રહ્યું છે. એક્સપર્ટનું માનવું છે કે, આગામી સમયમાં નિફ્ટીનો ટ્રેન્ડ મજબૂત નજર આવી રહ્યો છે. આ સાથે જ ગ્લોબલ માર્કેટથી આવી રહેલા પોઝિટિવ સંકેતોએ નિફ્ટીમાં તાકાત ભરી છે. જેના સહારે તેણે ઐતિહાસિક ઊંચાઈ પ્રાપ્ત કરી છે.