ઝારખંડના ‘શ્રી સમ્મેદ શિખર તીર્થ’ને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવા સામે મુંબઈમાં જૈન સમાજે વિરોધ શરૂ કર્યો છે. હાલ મુંબઈમાં જૈન સમાજની મોટી રેલી ચાલી રહી છે. સીએસટીના મેટ્રો જંકશનથી શરૂ થયેલી આ રેલી આઝાદ મેદાન તરફ આગળ વધી રહી છે. જેમાં જૈન સમાજના હજારો લોકો જોડાયા છે. લોકોના હાથમાં બેનર પોસ્ટર છે. સાથે જ તેઓ નારા લગાવતા આગળ વધી રહ્યા છે. જૈન ધર્મના ઘણા મોટા ધર્મગુરુઓ આઝાદ મેદાન તરફ કૂચ કરી રહ્યા છે, જ્યારે ભાજપના ઘણા નેતાઓ પણ તેમાં સામેલ છે. રેલી બાદ આઝાદ મેદાન ખાતે જૈન સમાજની સભા થશે.
માંગણીઓ સંતોષાવા સુધી ચાલુ રહેશે આંદોલન
પ્રદર્શનમાં સામેલ લોકોની માંગ છે કે ઝારખંડ સરકાર સમ્મેદ શિખર પર પોતાનો નિર્ણય બદલે. જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. જૈન સમાજ છેલ્લા ઘણા દિવસોથી સમ્મેદ શિખરને લઈને રસ્તા પર ઉતરી ગયો છે. છેલ્લા ઘણા દિવસોથી દેશના અનેક શહેરોમાં સતત દેખાવો થઈ રહ્યા છે. ગઈકાલે સુરતમાં જૈન સમાજે વિશાળ રેલી કાઢી હતી. આજે મુંબઈના રસ્તાઓ પર ભારે ભીડ જોવા મળી રહી છે. આ રેલીમાં મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. આ રેલીમાં બીજેપી નેતા શાઈના એનસી પણ જોડાઈ છે. જૈન સમાજના મહાન ધર્મગુરુ નયપદ્મસાગર મહારાજ પણ આ રેલીમાં સામેલ છે. નયપદ્મસાગર મહારાજે સમ્મેદ શિખર પર ઝારખંડ સરકારના નિર્ણયને ભારતની ગરિમાને ખતમ કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું.
જૈન સમાજની બંને માંગણીઓ શું છે?
જૈન સમુદાયની સૌથી મોટી માંગ છે કે સરકાર તેમના સૌથી મોટા ધાર્મિક સ્થળ સમ્મેદ શિખર પર પોતાનો નિર્ણય બદલે. ઝારખંડમાં ગિરિડીહની પહાડીઓ પર સમ્મેદ શિખર આવેલું છે. અહીં જૈન ધર્મના 24 માંથી 20 તીર્થંકરોનું નિર્વાણ સ્થાન છે. તાજેતરમાં જ ઝારખંડ સરકારે તેને પ્રવાસન વિસ્તાર તરીકે જાહેર કર્યો છે. જૈન સમાજનું કહેવું છે કે આનાથી સમ્મેદ શિખરની પવિત્રતા નષ્ટ થશે. લોકો અહીં માંસ ખાશે અને વાઇન પીશે. જૈન સમાજની બીજી માંગ ગુજરાતના ભાવનગરમાં આવેલા શત્રુજય તીર્થને લગતી છે. શત્રુંજય તીર્થમાં ભગવાન આદિનાથની પાદુકાઓ ખંડિત કરવામાં આવી છે. જૈન સમાજના લોકો દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
જૈન સમાજની માંગને પગલે ગુજરાત સરકારે ગઈકાલે મોટો નિર્ણય લીધો હતો. ગુજરાત સરકારે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે, જે જૈન સમુદાયની માંગણીઓ પર વિચાર કરશે. આ સાથે શત્રુંજયની ટેકરીઓ પર પોલીસ ચોકી ઉભી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે જે તરાઈમાં ગેરકાયદેસર ખનન પર નજર રાખશે. જયારે ઝારખંડના સીએમ હેમંત સોરેનનું કહેવું છે કે તેમની સરકાર તમામ ધર્મોનું સન્માન કરે છે. સરકાર જોશે કે આ મુદ્દાને કેવી રીતે ઉકેલી શકાય.