ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને 20 ઓક્ટોબર સુધી જેલમાં રહેવું પડશે. આજે સેશન્સ કોર્ટે જામીન અરજી પર લાંબી સુનાવણી બાદ ચુકાદો સુરક્ષિત રાખી લીધો છે. એનસીબીએ આર્યન ખાન સહિત અન્ય આરોપીઓને બે ઓક્ટોબરે કસ્ટડીમાં લીધા હતા અને પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. આ સમયે આર્યન ખાન આર્થર રોડ જેલમાં છે. શાહરુખના દીકરા આર્યનની જામીન અરજી પર ગઈકાલે (13 ઓક્ટોબર) સુનાવણી થઈ હતી અને કોર્ટે આજે, 14 ઓક્ટોબરના રોજ સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો. આજે સુનાવણી 12 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ના ASG (એડિશનલ સોલિસિટર જનરલ) અનિલ સિંહને હાઇકોર્ટમાં જવાનું હોવાથી તેઓ સવાએકની આસપાસ સેશન્સ કોર્ટ આવ્યા હતા.
કોર્ટે જામીન અરજી પરનો ફેંસલો 20 ઓક્ટોબર આપવાનો આદેશ આપ્યો હતો. જામીન અરજીની સુનાવણી વીવી પાટીલની કોર્ટમાં થઈ હતી. કોર્ટમાં શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાણી તથા સિક્યોરિટી ગાર્ડ રવિ હાજર રહ્યાં હતાં.અનિલ સિંહે કહ્યુ કે, આર્યન ખાનને લઈને જે નિવેદન મળ્યુ છે, તેનાથી ખ્યાલ આવે છે કે છેલ્લા કેટલાક વર્ષોથી તે તેનું સેવન કરતો હતો. અરબાઝની પાસે ડ્રગ્સ મળ્યું છે. આર્યન તેની સાથે હતો. પંચનામામાં પણ સ્પષ્ટ લખ્યુ છે કે ડ્રગ્સનું સેવન બંને કરતા હતા.