વેબ સિરીઝ સ્કેમ 1992માં હર્ષદ મહેતાનું પાત્ર ભજવીને રાતોરાત સ્ટાર બની ગયેલા જાણીતા ગુજ્જુ અભિનેતા પ્રતિક ગાંધી હાલ દર્શકોની પહેલી પસંદ બનેલા છે. પોતાના અભિનયથી કરોડો ફેન્સના દિલ પર રાજ કરનારા પ્રતિકની આગામી ફિલ્મ ‘Bhavai’ હાલ જો કે વિવાદમાં સપડાઈ છે. સો.મીડિયામાં યુઝર્સે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. યુઝર્સનું કહેવું છે કે ફિલ્મમાં શ્રીરામ તથા રાવણની તુલના કરવામાં આવી છે અને આ ખોટું છે. કેટલાંક યુઝર માને છે કે બોલિવૂડમાં
રાવણનો મહિમા તથા ભગવાન રામ તથા હનુમાનજીનું અપમાન કરવામાં આવી રહ્યું છે.
જ્યારથી મેકર્સે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું ત્યારથી જ પ્રતિક ગાંધી કોઈને કોઈ કારણસર સોશિયલ મીડિયા પર છવાયેલા છે. ફિલ્મ ભવાઈનું ટ્રેલર જોયા બાદ સોશિયલ મીડિયા પર મિક્સ પ્રતિભાવ જોવા મળી રહ્યો છે. ફિલ્મ પર યૂઝર્સે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
હકીકતમાં ટ્રેલરની 1 મિનિટ અને 50મા સેકન્ડે એક એવો સીન આવે છે જ્યાં રાવણની ભૂમિકા, રામના પાત્રને સવાલ કરે છે કે ‘તમે અમારી બહેનનો અનાદર કર્યો, તો અમે તમારી સ્ત્રીનો અનાદર કર્યો પણ તમારી જેમ નાક નથી કાપ્યું. છતાં લંકા અમારી બળી. ભાઈ અને દીકરા અમારા શહીદ થયા, બધી પરીક્ષાઓ પણ અમે આપી અને જય-જયકાર તમારો. આવું કેમ?’ જેના પર રામનું પાત્ર કહે છે કે ‘કારણ કે અમે ભગવાન છીએ.’ ફિલ્મના ટ્રેલરમાં કઈક એવા શબ્દોનો પ્રયોગ થયો છે કે જેનાથી વિવાદ થઈ રહ્યો છે. ‘ભવાઈ’નું ટ્રેલર રિલીઝ થયા બાદ આ ફિલ્મ મુશ્કેલીમાં સપડાઈ છે. ફિલ્મના ડિરેક્ટર, પ્રોડ્યૂસર તથા રાઇટરને નોટિસ ફટકારવામાં આવી છે. તેમની પર ભગવાન રામ અંગે ખોટી વાતો ફેલાવવાનો આરોપ છે. આ સાથે જ ટ્રેલરમાં કેટલાંક સંવાદોમાં રાવણને સારો બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.