રેપર હની સિંહ પર તાજેતરમાં જ તેની પત્ની શાલિની તલવારે ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે. શાલિનીએ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં દાખલ 120 પાનાની અરજીમાં ઘણા ખુલાસા કર્યા છે.
શાલિનીએ હની જ નહીં પરંતુ પોતાની અરજીમાં સાસુ ભૂપિંદર કૌર, સસરા સરબજીત સિંહ અને નણંદ સ્નેહા સિંહનું પણ નામ પણ લીધું છે. આ વિશે હની સિંહે પહેલી વખત પોતાની ચુપ્પી તોડી છે. હનીએ સોશિયલ મીડિયા પર એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું જેમાં તેને શાલિની દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા.હનીએ લખ્યું, છેલ્લા 20 વર્ષથી મારી મિત્ર અને પત્ની તરીકે રહેતી શાલિની તલવારે મારા અને મારા પરિવાર પર લગાવવામાં આવેલા તમામ ખોટા અને અપમાનજનક આરોપોથી ઘણું દુઃખ થયું છે. આ તમામ આરોપો પાયાવિહોણા છે. પછી ભલે મારા ગીતોના લિરિક્સ પર ટીકા કરવામાં આવી હોય, મારી હેલ્થ વિશેની અટકળો કરવામાં આવી હોય અથવા મને મળતું મીડિયા કવરેજ હોય, મેં ક્યારેય કંઈ કહ્યું નથી અને હંમેશાં મૌન રહ્યો છું પરંતુ આ વખતે આવું નથી કેમ કે બધા આરોપ મારા વૃદ્ધ માતાપિતા અને મારી નાની બહેન પર પણ લગાવવામાં આવ્યા છે- આ તે લોકો છે જેમણે હંમેશાં મારા ખરાબ સમયમાં મને સાથ આપ્યો છે અને તે લોકો મારી દુનિયા છે. બદનામ કરવાના ઈરાદાથી આ તમામ આરોપો લગાવવામાં આવ્યા છે.રેપરની પત્નીએ એવો પણ દાવો કર્યો હતો કે હની સિંહને ઘણી મહિલાઓની સાથે સંબંધો હતા. તેને કહ્યું કે, ‘બ્રાઉન રંગ દે’ના શૂટિંગ દરમિયાન હની સિંહને સેક્સ્યૂઅલ રિલેશનશિપ દરમિયાન તેણે એક યુવતી સાથે રંગે હાથ પકડ્યો હતો. આ સમયે હની સિંહે તેને દારૂની બોટલ છૂટી મારી હતી. તેણે પોતાની અરજીમાં સાસુ ભૂપિંદર કૌર, સસરા સરબજીત સિંહ અને નણંદ સ્નેહા સિંહનું નામ પણ આપ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શાલિનીએ પોતાના સાસરિયાઓ દ્વારા થતા અત્યાચાર સામે સુરક્ષા આદેશો અને અન્ય રાહતો માગી છે.
હનીએ આગળ લખ્યું, હું છેલ્લા 15 વર્ષથી આ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું અને સમગ્ર દેશના ઘણા આર્ટિસ્ટ્સ અને મ્યુઝિશિયન્સ સાથે કામ કર્યું છે. મારી પત્ની સાથેના મારા સંબંધો વિશે બધા જાણે છે. તે એક દાયકાથી વધારે મારા ક્રૂનો મુખ્ય ભાગ રહી ચૂકી છે અને શૂટ્સ, ઈવેન્ટ્સ, અને મીટિંગ પર મારી સાથે હાજર પણ રહેતી હતી. હું આ બધા આરોપોને નકારું છું પણ આગળ કશું નહીં કહું કારણ કે મામલો કોર્ટમાં છે.હનીએ વધુમાં કહ્યું કે, મને દેશની ન્યાયિક પ્રણાલી પર વિશ્વાસ છે, મને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં સંપૂર્ણ સત્ય બધાની સામે આવશે. આરોપોને કોર્ટમાં સાબિત પણ કરવા પડશે અને કોર્ટે મને આ આરોપો પર મારો પક્ષ રાખવાનો સમય આપ્યો છે. આ દરમિયાન હું મારા ફેન્સ અને જનતાને વિનંતી કરવા માગુ છું કે, તેઓ મારા અને મારા પરિવાર વિશે કોઈ ધારણા ન બનાવે જ્યાં સુધી કોર્ટ બંને પક્ષોની દલીલી સાંભળ્યા બાદ ચુકાદો ન આપે. મને વિશ્વાસ છે કે ન્યાય થશે અને સત્યની જીત થશે. હંમેશાંની જેમ, હું મારા ફેન્સ અને શુભેચ્છકોના પ્રેમ અને સમર્થન માટે આભારી છું જે મને વધુ મહેનત કરવા અને સારું સંગીત બનાવવા માટે પ્રેરિત કરે છે.