પોર્ન અને અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરાયેલ બિઝનેસમેન રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ઓછી થવાનુ નામ નથી લઈ રહી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ધરપકડ અને આરોપો બાદ ગુજરાતના અમદાવાદના એક વેપારીએ ફરિયાદ દાખલ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર સેલમાં નોંધાયેલી ફરિયાદમાં વેપારીએ કહ્યં કે, રાજ કુન્દ્રની કંપનીએ તેમને 3 લાખનો ચૂનો ચોપડ્યો છે.
આ ફરિયાદ મામલે એક અધિકારીએ જણાવ્યું કે, ગુજરાતના હિરેન પરમાર નામના વેપારીએ પોતાની ફરિયાદ ઓનલાઈન દાખલ કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે, વિયાન ઈન્ડસ્ટ્રીઝે તેમને આશ્વાસન આપ્યું હતું કે, તેઓ તેમને ઓનલાઈન ગેમ ‘ગેમ ઓફ ડોટ’ના ડિસ્ટ્રીબ્યુટર બનાવશે. પરંતુ રાજ કુન્દ્રાની કંપની આ ડીલ પૂરી કરી ન શકી. તેના બાદ જ્યારે તેમણે પોતાના 3 લાખ રૂપિયા પરત માંગ્યો તો કંપની તરફથી કોઈ જવાબ આપવામાં ન આવ્યો.
ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો કે, હિરેન પરમારે વર્ષ 2019 માં ગુજરાત સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરી હતી. પરંતુ તેના પર કોઈ એક્શન લેવામાં આવ્યા ન હતા. તેના બાદ મુંબઈ પોલીસ દ્વારા રાજ કુન્દ્રાની ધરપકડ કરાયા બાદ હિરેન પરમારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો. પરમારે એવો પણ આરોપ લગાવ્યો કે, રાજ કુન્દ્રાની કંપનીએ તેમની જેમ અન્ય લોકોને પણ ઠગ્યા છે. કરોડો રૂપિયાનો ગોટાળો કર્યો છે.