મોરબીમાં દરબારગઢ ખાતે આવેલા પૌરાણિક શીતળા માતાજીના મંદિરે આજે સાતમ નિમિત્તે ખાસ મહિલાઓનો શીતળા સાતમનો મેળો ભરાયો હતો.જેમાં આજ સવારથી મોટી સંખ્યામાં મહિલાઓ પોતના બાળકો સાથે માતાજીના દર્શન માટે ઉમટી પડી હતી અને માતાજીને ફૂલેર, શ્રીફળ, પતાસા સહિતનો પ્રસાદ ચડાવીને શ્રધ્ધાભેર દર્શન કરીને પોતાના બાળકો અને પરિવારના મંગલમય કલ્યાણની પ્રાર્થના કરી હતી.
આ તકે દર્શનાર્થી પૂજાબેન ગોસાઈએ મીડિયાને જણાવ્યું હતું કે, આ શીતળા માતાજીનું સ્વયંભૂ મંદિર છે અહીં માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું નથી સ્વયંભૂ માતાજી આ સ્થળે પ્રગટ થયા છે. ખાસ કરીને તમામ ધર્મની મહિલાઓને શીતળા માતાજી પર અપાર શ્રદ્ધા હોય છે, તેનું કારણ એ છે કે,બાળકીને ઓરી, અછબડા જેવી કોઇ માંદગી થઈ હોય તો શીતળા માતાજીની આસ્થા રાખવાથી બાળકોનો રોગ માતાજી મટાડે છે જેથી મહિલાઓની દરેક મનોકામના માતાજી પૂર્ણ કરે છે. અહીં માતાજી સાથે બળીયા દાદા સહિતના ચાર ભાઈ બહેન બેઠા છે. જેના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. દર વર્ષની જેમ શીતળા સાતમ નિમિત્તે આજે મંદિર ખાતે એક દિવસીય મેળો ભરાયો છે. આજે મંદિર ખાતે સવારે 4:00 વાગ્યાથી ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટ્યા હતા. તેમાંય ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત થઈ હતી અને માતાજીના દર્શન કરી ઉત્તમ આરોગ્ય માંગી અને શીતળા સાતમની ઉજવણી કરી હતી તેવું તેમણે જણાવ્યું હતું.
નોંધનીય છે કે મોરબીમાં આવેલા શીતળા માતાજીના મંદિરે આજે શીતળા સાતમના દિવસે પરંપરાગત સદાય પૂર્વક મહિલાઓનો મેળો ભરાયો હતો. આ મેળામાં સવારથી મહિલાઓ શીતળા માતાજીના દર્શનાર્થે આ મંદિરમાં ઉમટી પડી હતી. મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પોતાના બાળકો સાથે માતાજીના દર્શનાર્થે ઉમટી પડતા આ શીતળા માતાજીના મંદિરે મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી. મહિલાઓ માતાજીને શ્રદ્ધાપૂર્વક ફૂલેર, પતાસા, શ્રીફળ, ચુંદડી સહિતની ચીજ વસ્તુઓ પ્રસાદ રૂપે અર્પણ કરીને માનેલી મનતાઓ પૂર્ણ કરી હતી. જોકે શીતળા સાતમ નિમિતે અહીં માતાના દર્શન સાથે મહિલાઓના બાળકો માટે સદાય પૂર્વક યોજાતા મેળાનું પણ ખાસ મહત્વ છે. ત્યારે આજે બહોળી સંખ્યામાં બહેનો અને બાળકોએ મેળાની મોજ માણી હતી.