તાજેતરમાં અમદાવાદ ખાતે ક્વિઝ કોમ્પીટીશન HOMEOSTASIS -2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની GMERS કોલેજના બે વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન હાંસલ કરી કોલેજનું નામ રોશન કર્યું હતું.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર જી.સી.એસ. મેડીકલ કોલેજ અમદાવાદના બાયોકેમિસ્ટ્રી વિભાગ દ્વારા રાજયકક્ષાની ક્વિઝ કોમ્પીટીશન HOMEOSTASIS-2023 નું તારીખ ૨૫/૦૮/૨૦૨૩ ના રોજ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજ્યની વિવિધ ૩૬ મેડીકલ કોલેજમાંથી કુલ ૪૨ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં આ વર્ષથી નવી શરુ થયેલ મોરબીની જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજના પ્રાધ્યાપક ડો. હિરેન સંઘાણી અને મદદનીશ પ્રાધ્યાપક ડો. ધારા કાનાણીના માર્ગદર્શન હેઠળ કોલેજના પ્રથમ વર્ષના વિધાર્થીઓ ખુશી રાજગોર અને ખુશરાજસિંહ ઝાલા એ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ એ શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને રાજ્યકક્ષાની સ્પર્ધામાં વિજેતા બનીને કોલેજનું નામ રોશન કર્યું છે. જયારે ભાગ લેનાર અન્ય વિદ્યાર્થીઓ વૈદેહી શાહ અને દેવાંશી લીંબાસીયા સ્પર્ધાના સેમી ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચ્યા હતા. કોલેજના ડીન ડો. નિરજકુમાર બિસવાસએ બાયોકેમિસ્ટ્રી વિભાગને અને વિજેતા ટીમના સભ્યોને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત, જી.સી.એસ. મેડીકલ કોલેજના ક્વિઝ કોમ્પીટીશનના આયોજક ડો. રમેશ પ્રધાનનો નવીન પદ્ધતિથી ગમ્મત સાથે જ્ઞાન મળી રહે એ હેતુથી આવી સ્પર્ધાનું આયોજન કરવા બદલ આભાર માન્યો હતો.