મોરબીમાં સ્પાની આડમાં કુટણખાના ધમધમી રહ્યા હોવા અંગે મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ બે દિવસ પહેલા જ વિડીયો સંદેશ મારફતે પોલીસને આ ગોરખધંધા બંધ કરાવવા ચેતવણી આપતાની સાથે જ આજે મોરબી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડ દ્વારા લખધીરપુર રોડ ઉપર ટોકિયો સ્પામાં દરોડો પાડી ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડના પીઆઇના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે મોરબીના લખધીરપૂર રોડ ઉપર આવેલ ટોકિયો સ્પામાં દરોડો પાડતા સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવતું હોવાનું અને સ્પાના સંચાલકે બે એજન્ટોને ગ્રાહકો શોધવા કામે રાખ્યા હોવાનું ખુલતા ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા. વધુમાં પોલીસે ટોકિયો સ્પાના સંચાલક વિપુલ રામાશ્રય પાંડે, રહે.યમુનાનગર મોરબી, ગ્રાહકો શોધવાનું કામ કરતા સાગર મનસુખભાઇ સારલા અને જીવણ બચુભાઈ ચાવડા નામના આરોપીઓને દબોચી લઈ તાલુકા પોલીસને સોંપી આપ્યા હતા.
વધુમાં પોલીસે ટોકિયો સ્પામાં દરોડા બાદ સ્પા સંચાલક પાસેથી રોકડા રૂપિયા 10,650, ચાર મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5,500 સહીત 16,150 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, આ મામલે વધુ તપાસ બી.જી.જેઠવા ચલાવી રહ્યા છે.