મોરબી પંથકમાં લાંબા ઇન્તજાર બાદ આજે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી મેઘરાજા આજે મોરબી પર મહેરબાન થયા હોય તેમ બપોરે વરસાદ વરસ્યો હતો એકધારો વરસાદ વરસતા ખેડૂતો સહિતના સૌ કોઈમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
મોરબી શહેરમાં બપોરથી મેઘરાજાની પધરામણી થઇ ચુકી છે અને ધોધમાર વરસાદ બાદ હજુ પણ ધીમી ધારે મેઘરાજા હેત વરસાવી રહ્યા છે જેથી ખેડૂતોમાં આનંદના ઘોડાપુર જોવા મળી રહ્યા છે તો કાળઝાળ ગરમીથી રાહત મળતા નાગરિકો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. જોકે પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી હતી જેમાં શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા તો અનેક વિસ્તારમાં વીજળી ગુલ થવા પામી હતી.
મોરબી શહેરમાં બપોરે મેઘરાજાના આગમન સાથે એક-દોઢ કલાક સારો વરસાદ વરસતા જ શહેરના સાવસર પ્લોટ, વાઘપરા મેઈન રોડ, સામાકાંઠા વિસ્તાર, મોરબી કોર્ટ પરિસર તેમજ શનાળા રોડ પર પાણી ભરાઈ ગયા હતા આખું શહેર જળબંબાકાર સ્થિતિમાં જોવા મળ્યું હતું મોરબી જીલ્લામાં બપોરે મેઘરાજાના આગમન બાદ સતત બે કલાક મેઘરાજાએ હેત વરસાવતા ૮૨ મીમી એટલે કે સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો જોકે મોરબી સિવાય અન્ય તાલુકામાં વરસાદ નોંધાયો નથી.
મોરબી શહેરમાં આજે બપોરથી મેઘરાજા મહેરબાન થયા હતા અને ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ વરસતા ચોમેર ખુશહાલીના દ્રશ્યો જોવા મળ્યા છે શહેરમાં પાણી ભરાયા જેથી નાગરિકોને હાલાકી ભોગવવી પડી હતી. જોકે સારા વરસાદને કારણે સૌ કોઈ ખુશ થયા છે ત્યારે હવે મોરબી બાદ ટંકારા પંથકમાં પણ મેઘરાજાનું આગમન થઇ ચુક્યું છે
ટંકારા પંથકમાં બપોર બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી હાલ ટંકારા પંથકમાં સારો વરસાદ વરસી રહ્યો છે વરસાદને પગલે ટંકારા નગરની બજારોમાં પાણી પાણી જોવા મળ્યું છે તો સારો વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.