રાજ્યમાં વ્યાજખોરીના દુષણને ડામવા માટે રાજ્યના ગૃહમંત્રીએ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા બાદ પોલીસ તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. જેમાં વ્યાજખોરો પર લગામ કસવા રાજકોટ રેંજ આઈજીની અધ્યક્ષતામાં મોરબી ખાતે જનસંપર્ક સભા યોજાઈ હતી. જેમાં 18 નાગરીકોએ વ્યાજખોરોના ત્રાસ અંગે રજૂઆત કરી હતી. મોરબીના પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવના અધ્યક્ષસ્થાને આયોજિત જન સંપર્ક સભામાં નાના ફેરિયા, લારી-ગલ્લા, શાકભાજીવાળા, વેપારીઓ અને ખેડૂતો મળીને 300 જેટલા નાગરિકો પહોંચ્યા હતા. જે જનસંપર્ક સભામાં વ્યાજખોરીના ચુંગલમાં ફસાયેલા લોકોએ વિવિધ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ સાથે વ્યાજખોરો કેટલું ઊંચું વ્યાજ વસુલી અનેક પરિવારોને બરબાદ કરી ચૂકયા છે તેની આપવીતી પણ વર્ણવી હતી.
આ જનસંપર્ક સભામાં એસબીઆઈ, બેંક ઓફ બરોડા, એચડીએફસી બેંક, એક્ષીસ બેંક, રાજકોટ નાગરિક બેંક સહિતની બેન્કના મેનેજર અને કર્મચારી હાજર રહ્યા હતા. જેઓએ ગુજરાત સરકાર દ્વારા મળતી લોનની સુવિધા અંગે માહિતી આપવા હેલ્પ ડેસ્ક રાખવામાં આવ્યું હતું. જ્યાં યોજનાઓની યોજનાની માહિતી આપવામાં આવી હતી. જનસંપર્ક સભામાં આવેલ નાગરિકોએ અલગ-અલગ 18 રજૂઆત કરી હતી. જે રજૂઆતને લઇ ઈલીગ્લ મની લેન્ડીંગ કલમ હેઠળ તાત્કાલિક ધોરણે 14 એફઆઈઆર નોંધી 26 આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ બાકી રજૂઆત અંગે કાર્યવાહી ચાલુ હોવાનું જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું.