મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવાના કેસમાં પાંચમા આરોપીની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. ગઈકાલ સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 19 જુલાઈના રોજ સામે આવેલા એક વીડિયોમાં બે મહિલાઓને પુરુષોના એક જૂથ દ્વારા નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવામાં આવી રહી હતી. આ શરમજનક ઘટનાની દેશભરમાં ટીકા થઈ રહી છે.
મળેલા અહેવાલ મુજબ પાંચમા આરોપીની ઓળખ યમલેમબામ નુંગસિથોઈ મૈતઈ તરીકે થઈ છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સુપ્રીમ કોર્ટે પણ નારાજગી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. આ ઘટનાની નિંદા કરતા પીએમએ એમ પણ કહ્યું હતું કે તેનાથી સમગ્ર દેશનું અપમાન થયું છે અને દોષિતોને બક્ષવામાં આવશે નહીં.
અગાઉ ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓને ગઈકાલે 11 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. મળેલા અહેવાલો અનુસાર એક આરોપી વિશે પોલીસે કહ્યું કે તે બી. ફેનોમ ગામની ઘટનામાં સામેલ ભીડનો એક ભાગ હતો અને તે વીડિયોમાં જોઈ શકાય છે કે તે પીડિત મહિલામાંથી એકને ખેંચી રહી છે. પોલીસે આ આરોપીની થાઉબલ જિલ્લામાંથી ધરપકડ કરી હતી અને તેની ઓળખ હુઈરેમ હેરાદાસ સિંહ તરીકે થઈ છે.