માંગરોળ તાલુકાના કોસાડી ગામે પીકઅપ ગાડીમાં કતલ કરવાના ઇરાદે 10 પશુઓ ભરીને આવેલા ઝંખવાવ ગામના ત્રણ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર ઝંખવાવના ઈરફાન ઠુંડીયાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
જિલ્લા પોલીસવડા દ્વારા કતલ કરવા માટે લઈ જવાતા પશુઓની હેરાફેરી અટકાવવા સુચના અપાતા માંગરોળના પો.સ.ઇ. એચ આર પઢીયારે આ દિશામાં કાર્યવાહી શરૂ કરી હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ઝંખવાવ ગામના કેટલાક ઈસમો પીક અપ ગાડીમાં પશુઓને કતલ કરવાના ઇરાદે કોસાડી ગામના 42 ગાળા ફળિયામાં લાવી રહ્યા છે જેથી તેમની સુચના માર્ગદર્શન હેઠળ હે.કો.કેતનભાઇ પ્રેમજીભાઈ, વિપુલભાઈ વિક્રમભાઈ, શૈલેષભાઈ ધુળજીભાઈ, આસિફખાન ઝહીરખાન, જયેશભાઈ ભુરાભાઈ, નયનભાઈ ધીરજભાઈ, વગેરે પોલીસ કર્મચારીઓની ટીમે કોસાડી ગામે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી હતી. આ દરમિયાન જી જે 26 ટી 9010 નંબરની સફેદ ટાટા પીકઅપ ગાડી આવતા પોલીસે અટકાવી હતી અને ગાડીમાં તપાસ કરતા કુલ 10 પાડી પાડા મળી આવ્યા હતા. પશુઓને ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડાથી દયનીય સ્થિતિમાં બાંધવામાં આવેલ હતા, ઘાસચારા પાણીની કોઈ વ્યવસ્થા ન હતી. આ તમામ પશુઓને પોલીસે મુક્ત કર્યા હતા પોલીસે ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા તેઓનું નામ પૂછતા યાસીન સેવાભાઈ મુલતાની, હસન લાલુ મુલતાની, તાજુબ મહેબૂબ મુલતાની તમામ રહે ઝંખવાવ ગામ તાલુકો માંગરોળના હોવાનું જણાવ્યું હતું કુલ 10 પશુઓ જેની કિંમત રૂપિયા 1,20,000 તેમજ એક મોબાઇલ ફોન પીકઅપ ગાડી મળી કુલ ₹4,49,800 નો મુદ્દા માલ કબજે લીધો હતો. આરોપીઓની પૂછપરછ કરતા તેમણે તેમણે જણાવ્યું કે ઉપરોક્ત પશુઓ ઝંખવાવ ગામનો ઈરફાન ઉર્ફે બાબુ ઈબ્રાહીમ ઠુંડીયા એ ગાડીમાં ભરાવ્યા હોવાનું જણાવતા પોલીસે આ ગુનામાં ઈરફાન ઠુંડીયાને વોન્ટેડ જાહેર કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
વિનોદ મૈસુરિયા : વાંકલ