માંગરોળ તાલુકાના નાના નોગામા ગામે પિતા પુત્ર પર હુમલો કરનાર માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે કોંગ્રેસ સમિતિના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ શીવાભાઈ પટેલ વિરુદ્ધ નાના નોગામા ગામના ખેડૂત પિતા પુત્ર પર હુમલો કરવાની ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ પોલીસ દ્વારા આ ગુનામાં કોઈ કાર્યવાહી નહીં થતા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહરભાઈ પટેલની આગેવાની હેઠળ માંગરોળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શામજીભાઈ ચૌધરી, અનિલભાઈ ચૌધરી, તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા મોહનભાઈ કટારીયા રૂપસિંગ ગામીત, મનીષ વસાવા, મહંમદ જે પી, સહિતના આગેવાનો એ માંગરોળના મામલતદાર પાર્થ જયસ્વાલને રૂબરૂ મળી એક લેખિત આવેદનપત્ર આપી જણાવ્યું કે જ્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ પિતા પુત્ર પર સામાન્ય બાબતમાં હુમલો કરનારની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અમારી માંગ છે. હાલ પોલીસ પક્ષપાતી વલણ અપનાવીને તેમની ધરપકડ કરતી નથી. ન્યાયના હિતમાં પોલીસ દ્વારા યોગ્ય પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી કોંગ્રેસના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ