માંગરોળ તાલુકાના નાની ફળી ગામે ગોડધા વડ ઉદવહન સિંચાઇ યોજનાની પાઇપ લાઇનમાં લીકેજ થતા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતા કૃષિ પાકને નુકસાન થયું છે. સિંચાઈના પાણીથી વંચિત રહેલા માંગરોળ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તાર અને માંડવી તાલુકાના પૂર્વ વિસ્તાર ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ₹ 500 કરોડના ખર્ચે કાકરાપાર ઘોડધા વડ ઉદવહન સિંચાઇ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેથી છેલ્લા દોઢ વર્ષથી પાઇપ લાઇન મારફત આ વિસ્તારને પાણી આપવામાં આવી રહ્યું છે પરંતુ કેટલાક ગામની સીમમાં પાઇપલાઇનના ચેકવાલની ચોરીના બનાવો અગાઉ બન્યા હતા જેથી પાણીનો વ્યાપક પ્રમાણમાં બગાડ થઈ રહ્યો છે અને આ સિલસિલો હજી ચાલુ હોય તેમ પાણીના બગાડની ફરિયાદો ઉઠી રહી છે. ગતરોજ માંગરોળ તાલુકાના નાંદોલા ગામની સીમમાં ઉદવહન સિંચાઈ યોજનાની પાઇપ લાઇન માંથી કોઈક કારણોસર પાણી લીકેજ થતા નાની ફળી ગામના કેટલાક ખેડૂતો ખેતરમાં પાણી ભરાતા ખેતરમાં વાવેલા કૃષિ પાકો પાણીમાં ડૂબી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ મોંઘવારીના સમયમાં ખેડૂતો માંડ માંડ બિયારણો લાવી પોતાની ખેતી ઉભી કરી રહ્યા છે ત્યારે ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. માંગરોળના પૂર્વ પટ્ટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉદ્ધવહન સિંચાઈ યોજનાનું પાણી મોટા પ્રમાણમાં બગડી રહ્યું છે ત્યારે આ બાબતે કાર્યવાહી થાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
ઉદ્ધવહન સિંચાઈ યોજનાના પાણીથી નુકસાનીનો ભોગ બનેલા નાની ફળી ગામના ખેડૂતે જણાવ્યું કે વર્ષોથી સિંચાઈના પાણીથી વંચિત આદિવાસી ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવાનો સરકારનો અભિગમ ખૂબ જ સારો છે પરંતુ સિંચાઈ વિભાગના અધિકારીઓની યોગ્ય દેખરેખ અને સંચાલનના અભાવે ખેડૂતો નુકસાનીનો ભોગ બની રહ્યા છે. મારા ખેતરમાં પાણી ભરાવાને કારણે મને રૂપિયા 60,000 નું નુકસાન થયું છે અત્યાર સુધીમાં મારા જેવા ઘણા ખેડૂતો ખેતરમાં પાણી ભરાવાને કારણે ખેડૂતો નુકસાનીનો ભોગ બન્યા છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ