માંગરોળ તાલુકાના વાંકલ ગામે મુખ્ય માર્ગ પર આવેલ 66 કે.વી વીજ સબ સ્ટેશનની એકદમ બાજુ માં આવેલા ખેતરમાં એન્જિન સાથે ફીટ કરેલા ડાયનામાની તસ્કરો ચોરી કરી જવાનો વધુ એક બનાવ બનતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
થોડા દિવસ પહેલા વાંકલ ગામે નાંદોલા રોડ પર ખેતરમાં બનાવેલ ઘરના કોઢારામાંથી ચોર ઈસમો રૂ.1,40,000 ની ભેંસ અને તેના બચ્ચાની ચોરી કરી ગયા હતા આ ચોરી સંદર્ભમાં વાંકલ ગામના શૈલેષભાઈ રમણભાઈ પટેલે પોલીસને ફરિયાદ પણ આપી હતી ત્યારબાદ વધુ એક ચોરીનો બનાવ બનવા પામ્યો છે.
વાંકલ ગામના વેરાવી ફળિયામાં રહેતા રવજીભાઈ અમાસીયાભાઈ ચૌધરી વાંકલ ઝંખવાવ મુખ્ય માર્ગ પર વિજ સબ સ્ટેશનની બાજુમાં પોતાની ખેતીની જમીન ધરાવે છે અને ખેતર નજીક કાચું ઘર બનાવી પરિવાર સાથે વસવાટ કરે છે ગતરોજ શુક્રવારની રાત્રિ દરમિયાન તેઓ રાત્રિના 12 વાગ્યા સુધી ખેતરની રખેવાળી કરી હતી અને ત્યારબાદ ખેતરમાં બનાવેલ ઘરમાં પરિવાર સાથે સૂતા હતા આ દરમિયાન મોડી રાત્રે અજાણ્યા ચોર ઇસમોની ગેંગ તેઓના ખેતરમાં પ્રવેશી હતી અને એન્જિન સાથે ફિટ કરેલું ડાયનામું છૂટું પાડી મુખ્ય માર્ગ પર લઈ ગયા હતા અને ત્યાંથી કોઈ વાહનમાં ડાયનામું ભરી ગયા હોવાનું જણાઈ રહ્યું છે ડાયનામાનું વજન વધુ હોવાથી પાંચ થી છ ઈસમો ચોરી કરવા આવ્યા હોવાનું લાગી રહ્યું છે થોડા સમય પહેલા ખેડૂત રવજીભાઈ એ રૂપિયા 50,000 નું ડાયનામુ ખરીદ કરેલ હતું અને તેનો ઉપયોગ તેઓ બોર ઉપર સિંચાઈના પાણી માટે કરી રહ્યા હતા, હાલ ડાયનામાની ચોરી થઈ જતા ગરીબ આદિવાસી ખેડૂતના માથે મોટી આફત આવી છે પોતાના ખેતરમાં કૃષિપાક માટે સિંચાઈનું પાણી ખૂબ જરૂરી છે ત્યારે કેવી રીતે ખેતી કરવી તેની ચિંતામાં છે. ચોરીની ઘટના સંદર્ભમાં તેમણે વાંકલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોરી ઇસમની ગેંગ વિરુદ્ધ ફરિયાદ આપી છે જ્યારે ખેતરોમાં મોટર વિજ કેબલ સહિતના સામાનની ચોરી કરતી ગેંગને વહેલી તકે પોલીસ ઝડપી પાડે તેવી માંગ ઉઠી રહી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ