માંગરોળ તાલુકાના વાંકલ મોસાલી રાજ્ય ધોરીમાર્ગ ઉપર ગડકાછ ગામ નજીક મૃત હાલતમાં દીપડો મળી આવતા વન વિભાગ એ મૃત દીપડાનો કબજો લઈ તપાસ શરૂ કરી હતી.
વાંકલ મોસાલી માર્ગથી પસાર થતા વાહન ચાલકો ને દુર્ગંધ આવતા તેમણે બાજુમાં આવેલ શેરડીના ખેતરમાં તપાસ કરતા મૃત હાલતમાં એક દીપડાને જોયો હતો જેથી આ ઘટનાની જાણ વાંકલ વન વિભાગના આર એફ ઓ એચ બી પટેલને કરવામાં આવતા તેઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને તપાસ કરતા બે ત્રણ દિવસ પહેલા આ દીપડાનું મૃત્યુ અજાણ્યા વાહનની અડફેટે થઈ હોવાનું અનુમાન કર્યું હતું. દીપડાનો મૃતદેહ અતિ દુર્ગંધ મારતો હોવાથી આ ઘટના બે ત્રણ દિવસ પહેલા બની હોવાનું અને ઇજાગ્રસ્ત થયેલો દીપડો શેરડીના ખેતરમાં જઇને મૃત્યુ પામ્યો હોવાનું જણાઈ રહ્યું છે. વાંકલ વન વિભાગ દ્વારા મૃત દીપડાનો કબજો લઈ ઝંખવાવ વન વિભાગની નર્સરી ખાતે માંગરોળના વેટનરી ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરી અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. આ ઘટના સંદર્ભમાં વાંકલ વન વિભાગના આર એફ ઓ એચ બી પટેલે વધુ તપાસ હાથ ધરી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ