156 માંગરોળ વિધાનસભા મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક ડૉ. કુંદન યાદવ દ્વારા આજરોજ ચૂંટણી અધિકારીની મંજૂરી વિના પ્રચારમાં વપરાતા 5 જેટલા વાહનો પકડી પાડવામાં આવ્યા હતા. 2 દિવસ પૂર્વે પણ 2 વાહનો પકડી પાડવામાં આવ્યા હતા અને તે વાહનોને ચૂંટણી પ્રચારમાંથી દૂર કરાયા હતા.
ડૉ. યાદવે જણાવ્યું હતું કે ચૂંટણી અધિકારીની પૂર્વમંજૂરી વગર કોઈ પણ વાહન ચૂંટણી પ્રચાર માટે વાપરી શકાય નહિ. જો તેવું કોઈ વાહન ધ્યાને આવે તો ઈ.પી.કો. કલમ 171(H) હેઠળ દંડનીય કાર્યવાહી થઇ શકે અને તે વાહનને ચૂંટણી પ્રચારમાંથી દૂર કરવા પડે.
આ તબક્કે ખર્ચ નિરીક્ષક ડૉ. કુંદન યાદવ એ તમામ ઉમેદવારોને તાકીદ કરી છે કે ચૂંટણી અધિકારીની પૂર્વમંજૂરી વગર કોઈપણ ઉમેદવારે કોઈ વાહન ચૂંટણી પ્રચાર માટે વાપરવું નહિ. જો હવે પછી આવી ચૂક ધ્યાને આવશે તો દંડનીય કાર્યવાહી સાથે ઉમેદવારનાં પોતાના વાહનની પણ પરવાનગી રદ થઇ શકે એમ જણાવ્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ