માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે 32 કરોડના વિકાસ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ થયું હતું.
આંબાવાડી ગામે ભૂખી નદી ઉપર અઢી કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ થનાર છે જેનું ખાતમુર્હુત ગણપતભાઈ વસાવાના હસ્તે કરાયું હતું સાથે આંબાવાડી ગામમાં રસ્તા અને પેવર બ્લોકના પૂર્ણ થયેલ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય અફઝલ ખાન પઠાણ, દિનેશ સુરતી, તાલુકા પંચાયતના સદસ્ય તૃપ્તિબેન મૈસુરિયા, યુવરજસિંહ સોનારીયા, ભૂમિ વસાવા, આંબાવાડીના સરપંચ નરેશ ચૌધરી, દીપક ચૌધરી, ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઝંખવાવથી કોસંબા સુધીના રાજ્ય ધોરીમાર્ગનું નવીનીકરણ રૂપિયા 21 કરોડના ખર્ચે થનાર છે જેનું ખાતમુર્હુત કઠવાડા ગામ ખાતે કરવામાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિલીપ સિંહ રાઠોડ, ભાજપ સંગઠનના પ્રમુખ મુકુંદભાઈ પટેલ અને ગામ અગ્રણીઓ હાજર રહ્યા હતા.
કઠવાડા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસ કામોનો ચિતાર આપ્યો હતો જ્યારે ઉમરપાડા તાલુકામાં વાડી કેવડી મુખ્ય માર્ગનું રૂપિયા 6 કરોડના ખર્ચે નવીનીકરણ થનાર છે જેનું ખાતમુર્હુત ઉમરખાડી ગામે કરવામાં આવ્યું હતું. ચવડા મુખ્ય માર્ગથી નવાગામ થઈ વડપાડાને જોડતા માર્ગનું કામ રૂપિયા એક કરોડના ખર્ચે થનાર છે જેનું ખાતમુર્હુત ગણપતભાઈ વસાવાના હસ્તે નવાગામ ખાતે કરવામાં આવ્યું તેમજ કવનગાય સટવાણ માર્ગનું કામ રૂપિયા એક કરોડ અને 15 લાખના ખર્ચે થનાર છે જેનું ખાતમુર્હુત સટવાણ ગામે કરવામાં આવ્યું હતું સાથે સટવાણ ગામે નમો કિન્સાન પંચાયતની સભા પણ યોજવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી ખેડૂતલક્ષી કામગીરી યોજનાઓ અંગે માહિતી આપી હતી તેમજ સુરત જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ ઇદ્રેશભાઈ મલેક સહિતના આગેવાનો દ્વારા રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓથી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉમરપાડા તાલુકાના ચૂંટાયેલા પદાધિકારીઓ તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ