માંગરોળ તાલુકાના વાંકલ ગામે રૂપિયા ૧૯ કરોડના ખર્ચે નિર્માણ થયેલ જવાહર નવોદય વિદ્યાલયનું લોકાર્પણ અને વાંકલ ખાતે રૂપિયા 20 કરોડના ખર્ચે નિર્માણ થનાર સરકારી કુમાર છાત્રાલયના નવા મકાનનું ખાતમુર્હુત રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
હાલમાં વાંકલ ખાતે 600 જેટલા વિદ્યાર્થીઓ સરકારી કુમાર છાત્રાલયમાં રહી અભ્યાસ કરે છે પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા વધતા રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 20 કરોડના ખર્ચે 400 જેટલા વિદ્યાર્થીઓ રહી શકે તે પ્રમાણે નવું મકાન તૈયાર કરવામાં આવશે જેનું ખાતમુર્હુત કરાયું હતું બીજી તરફ સુરત જિલ્લામાંથી તાપી જિલ્લો અલગ બનતા સુરત જિલ્લાને કેન્દ્ર સરકાર દ્વારા વાંકલ ખાતે નવોદય વિદ્યાલય ની ભેટ મળી હતી જેના નવા મકાનનાં જેના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલા એક સમારંભમાં નવોદય વિદ્યાલયના આચાર્ય દિનેશ પાટીલે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા એ સંબોધન કરતા જણાવ્યું કે વાંકલ ગામ શિક્ષણનું હબ બની રહ્યું છે જેને મીની વિદ્યાનગર તરીકેની ઓળખ મળી છે. હાલ નિર્માણ થયેલ નવોદય વિદ્યાલય અને વાંકલની શૈક્ષણિક સંસ્થાઓ આવનારા સમયમાં સમગ્ર વિસ્તાર માટે આશીર્વાદરૂપ બની રહેશે. વધુમાં તેમણે કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ વિશે પણ માહિતી આપી હતી.
માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા એ સંબોધન કરતા જણાવ્યું કે હાલમાં વાંકલ ગામે 8000 જેટલા વિદ્યાર્થીઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરી રહ્યા છે. ભૂતકાળની સરકારો એ આદિવાસી વિસ્તારમાં શિક્ષણ, સિંચાઈ જેવી પાયાની સુવિધાઓ પ્રજાજનોને આપી નથી હાલના સમયે રાજ્ય અને કેન્દ્રની સરકારે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની અનેક સંસ્થાઓનું નિર્માણ કર્યું છે સાથે સિંચાઈ યોજનાઓ અને માળખાકીય સુવિધાઓ ઉભી કરતા તેનો લાભ લોકોને મળી રહ્યો છે. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે કોઈપણ સમાજનો વિકાસ કરવો હોય તો શિક્ષણ અને પાણી બે મહત્વના પરિબળો છે જેના ઉપર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શિક્ષણ પાછળ સૌથી વધુ ખર્ચ સરકાર કરી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે હવે માત્ર પાસ થવાય તેવો અભ્યાસ નહીં ચાલે વિદ્યાર્થીઓએ આગળ વધવું હોય તો ગુણવત્તા યુક્ત શિક્ષણ લેવું પડશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ રાજ્ય સરકારની શિક્ષણ લક્ષી અને વિકાસલક્ષી યોજનાઓની માહિતી આપી હતી. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા. ઉપરોક્ત કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો દિલીપસિંહ રાઠોડ, મહામંત્રી દીપકભાઈ વસાવા, સંદીપ દેસાઈ, જગદીશ પારેખ, અફઝલ ખાન પઠાણ રીતેશભાઈ વસાવા, રાકેશભાઈ સોલંકી, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ