માંગરોળ તાલુકાના વાંકલ ગામે શ્રદ્ધા સબુરી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લાઈફ લાઇન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સત્ય નારાયણની કથા પૂજા સાથે પ્રસુતિ વિભાગ અને આઈ સી યુ વોર્ડ શરૂ કરવામાં આવ્યા હતાં. હોસ્પિટલ શરૂ થયાને એક વર્ષ પૂર્ણ થતા સત્ય નારાયણ ભગવાનની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથા પૂજા સંપન્ન કરાયા બાદ ટ્રસ્ટ પ્રમુખ સિરીષભાઈ નાયક અને સંજયભાઈ દેસાઈ એ માહિતી આપતા જણાવ્યું કે હોસ્પિટલ શરૂ કર્યાના વર્ષ દરમિયાન લગભગ 6000 ઓપીડી-, 800-આઈ પી ડી અને 50 જેટલી સફળ સર્જરીઓ રાહત દરે કરી આપવામાં આવી છે. હોસ્પિટલનો સારો એવો લાભ આ વિસ્તારની જનતા મળી રહ્યો છે ત્યારે હવેથી ફુલ ટાઈમ એમ ડી ફિઝિશિયન ડોક્ટર હાજર રહેશે જેથી આઈ સી યુ ની સેવા સતત ચાલુ રહેશે આંખ વિભાગ, દાંત વિભાગ, એક્સરે સોનોગ્રાફી તેમજ જીવન રક્ષક દરેક સામગ્રી અહીં દાતાઓ દ્વારા ઉપલબ્ધ થઈ રહી છે. હવેથી આ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર અંકિતાબેન ચૌધરી પણ હાજર રહેશે અને પ્રસુતિ માટેની દરેક ફેસીલીટીસ અહીં શરૂ કરવામાં આવશે.
ત્યારે આ વિસ્તારની જનતા માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ વિસ્તારના સામાજિક અને રાજકીય આગેવાન હર્ષદભાઈ ચૌધરીએ જણાવ્યું કે અગાઉના સમયમાં જ્યારે ઇમરજન્સી સારવાર માટે જરૂરિયાત ઊભી થતી ત્યારે અહીંના ગરીબ આદિવાસી અને સામાન્ય લોકોએ સારવાર અર્થે બારડોલી સુરત જેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ વાળા શહેરો સુધી પહોંચવામાં તકલીફ પડતી હતી જેના કારણે ભૂતકાળમાં કેટલાય લોકોએ સમયસર સારવાર ન મળતા મૃત્યુ થયાના બનાવો બન્યા છે. ત્યારે આ હોસ્પિટલ દ્વારા રાહત દરે દરેક સેવાઓ મળી રહી છે અને આ વિસ્તારની જનતા એનો લાભ પણ લઈ રહી છે એ ખૂબ સારી બાબત છે. આ પ્રસંગે આનંદભાઈ ગામીત ભરતભાઈ પટેલ તથા નારણભાઈ પટેલ તેમજ ગામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને તેઓએ હાજર ડોકટર આર.પી. સિંગ, ડોક્ટર જુગલ કિશોર, અંકિતાબેન ચૌધરી અને સ્ટાફની સારી સેવાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
વિનોદ મૈસૂરિયા : વાંકલ