રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી સુરત દ્વારા આયોજિત સુરત ગ્રામ્ય તાલુકા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા અને યુવા ઉત્સવનું આયોજન માંગરોળ તાલુકાની વાંકલ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું.
તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં લોક નૃત્ય, રાસ ગરબા, સમૂહ ગીત, ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, તબલા વાદન, હાર્મોનિયમ વાદન, એક પાત્રીય અભિનય, હળવું કંઠ્ય સંગીત, લગ્ન ગીત, સુગમ સંગીત જેવી તમામ સ્પર્ધાઓમાં માંગરોળ તાલુકાના 550 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળ ઉમરપાડા વિધાનસભાના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, જિલ્લા ભાજપ મહામંત્રી દીપકભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત, તાલુકા વિકાસ અધિકારી બી ડી સીસોદીયા, મામલતદાર એ સી વસાવા, તૃપ્તિ બેન મૈસુરીયા, ડો યુવરાજસિંહ સોનારીયા, તથા તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલ તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા અને બાળકોએ રજુ કરેલ કૃતિને નિહાળી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા. ગણપતભાઈ વસાવા એ ગ્રામ્ય કલા મહોત્સવમા બાળકોની પ્રતિભા ખીલે છે અને આગળ જઈ શકે છે એમ જણાવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માંગરોલ તાલુકાની શિક્ષણ પરિવારની ટીમે ખુબ જ જહેમત ઉઠાવી હતી, સંચાલન મોહનસિંહ ખેરે કર્યું હતુ.
વિનોદ મૈસૂરિયા : વાંકલ