માંગરોળ મામલતદાર કચેરી ખાતે સુરતના વેડ ડભોલીમાં માલધારીઓના તબેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવાના વિરોધમાં તરસાડી માલધારી હિતરક્ષક સમિતિના આગેવાનોએ દેખાવ વિરુદ્ધ પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
છેલ્લા બે ચાર દિવસમાં સુરતના વિવિધ વિસ્તારો મહાનગર પાલિકા દ્વારા પશુઓના તબેલા તોડવામાં આવી રહ્યા છે જેને લઇ માલધારી સમાજમાં સરકારી તંત્ર વિરુદ્ધ વ્યાપક રોષ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં તરસાડી નગર માલધારી હિત રક્ષક સમિતિ દ્વારા જંગાભાઈ રબારીની આગેવાની હેઠળ સમાજના સભ્યોએ વિરોધ પ્રદર્શન કરી દેખાવો કર્યા હતા અને ત્યારબાદ ફરજ પરના મામલતદાર એ સી વસાવવાને એક આવેદનપત્ર સુપ્રત કરી જણાવ્યું કે માલધારી સમાજની મહિલાઓ ઉપર સુરત કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, પશુઓને બેરેહમીથી માર મારવામાં આવે છે ત્યારે આવા અધિકારીઓને તાત્કાલિક ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ આગેવાનો દ્વારા કરવામાં આવી છે. કોરોના કાળ દરમિયાન માલધારી સમાજ દ્વારા સેવા ભાવનાથી ઓછા ભાવે લોકોને દૂધ આપ્યું હતું તેમજ ગરીબ લોકોને મફત દૂધ સમાજના લોકોએ વિતરણ કર્યું હતું ત્યારે સેવાભાવી સમાજ સામે સરકારી તંત્ર દ્વારા થતી આ કાર્યવાહી બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી, ઉગ્ર આંદોલન માલધારી સમાજ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ