માંગરોળ તાલુકામાં છેલ્લા બે દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે આંબાવાડી અને બોરીદ્રા ગામે દિવાલો પડી જવાના ચાર બનાવો બન્યા છે પરંતુ સદનસીબે કોઈ જાનહાનિના બનાવો બન્યા નથી. આંબાવાડી ગામના નવા ફળિયામાં રહેતા દિનેશભાઈ દેવજીભાઈ ચૌધરીના ઘર પાસે આવેલ કુવાની જર્જરિત દિવાલ વધુ પડતા વરસાદથી તુટી ગઈ છે. જ્યારે આંબાવાડી ગામના મસ્જીદ ફળિયામાં રહેતા હસમુખભાઈ તુલસીભાઈ વસાવાના કાચા મકાનની એક બાજુની દીવાલ પડી જવા પામી હતી. કોઈ મનુષ્ય કે પશુની જાનહાનિ થઈ નથી આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા નુકસાનીનો રિપોર્ટ સરકારી તંત્રમાં કરવામાં આવ્યો છે.
બોરીદ્રા ગામના મંદિર ફળીયામાં રહેતા વિરેન્દ્રસિંહ ભરથાણીયાના મકાનની દિવાલ, પતરા તથા અન્ય ઘરવખરીને નુકશાન થયું છે. જયારે આજ ગામના દિગ્વિજયસિંહ ભરથાણીયાના કાચા મકાનની દિવાલ તથા ઘરવખરીને નુકશાન થવા પામ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા નુકસાનીનો રિપોર્ટ તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવ્યો છે ત્યારે કુદરતી આફત નુકસાનીનો ભોગ બનેલા પરિવારોને તાત્કાલિક ધોરણે સરકારી તંત્ર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ