ભારતીય વિદ્યા ભવન્સ નાની નરોલી ખાતે આજરોજ શાળા કક્ષાએ પ્રિફેક્ટોરલ બોર્ડ વિભાગમાં વિદ્યાર્થીઓની ચૂંટણીનું આયોજન કરાયું. મતદાન શાળામાં ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું.
શાળાના આચાર્ય શ્રી વૈભવ અગ્રવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ શાળામાં વર્ષ-૨૦૨૨/૨૦૨૩ ની ચૂંટણી યોજાઈ. જેમાં હેડ બોય, હેડ ગર્લ, સ્પોર્ટ્સ કેપ્ટન, સ્પોર્ટ્સ વાઈસ કેપ્ટન ક્લીનીનેસ કેપ્ટન, ક્લીનીનેસ વાઇસ કેપ્ટન, હાઉસ કેપ્ટન અને હાઉસ વાઈસ કેપ્ટનની ચૂંટણી હાથ ધરવામાં આવી.
શાળાકીય કક્ષાએ આ ચૂંટણી યોજવાનો મુખ્ય હેતુ બાળકોમાં અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર અનુસંધાનમાં જ્ઞાનનો વિકાસ થાય તથા ભારતના બંધારણ મુજબ અધિકારો અને ફરજો અનુસાર જવાબદારીઓ સમજતા થાય તેવો હતો.
ચૂંટણી એ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા વિદ્યાર્થીઓ શાળાકીય નિયમ ધોરણોમાં રહી શાળાકીય સંચાલનના તેમના અભિપ્રાય વ્યક્ત કરી શકે છે. તેઓ શાળાકીય ઉમેદવારને પસંદ કરવા માટે જાહેર મતદાન દ્વારા આ અભિપ્રાય વ્યક્ત કરે છે. સૌથી વધુ નોંધનીય, શાળાકીય ચૂંટણી એ ઔપચારિક જૂથ નિર્ણય લેવાની પ્રક્રિયા છે. ચૂંટણી ચોક્કસપણે લોકશાહીનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. કારણ કે; બાળકો શીખે છે કે ચૂંટણી લોકોની, લોકો દ્વારા અને લોકો માટે છે.
શાળાકીય ચૂંટણી માટે બાળકોએ પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું. નામાંકિત ઉમેદવારે દરેક વર્ગખંડમાં જઈ પોતાનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. જાહેર ચૂંટણી મુજબ શાળાકીય ચૂંટણી પણ શાળાના શિક્ષક મિત્રો દ્વારા વિધિસર આયોજિત કરવામાં આવી હતી અને બાળકોએ ઉત્સાહથી મતદાન કર્યું હતુ.
વિનોદ મૈસુરિયા : વાંકલ