Proud of Gujarat
FeaturedGujaratINDIA

મનરેગા યોજના અંતર્ગત માંગરોળ તાલુકામાં ૫૦૦૦ શૌચાલય બનાવતું મિહિર સખી મંડળ.

Share

રાજ્ય સરકારે મહિલાઓના ઉત્કર્ષ અને આર્થિક સશક્તિકરણ માટે મહિલા સ્વસહાય જૂથો સખી મંડળ સ્વરૂપે રચીને તેમને સંગઠિત અને પ્રશિક્ષિત બનાવવા મિશન મંગલમ યોજના અમલી છે. આવું જ એક જૂથ ગ્રામીણ મહિલાઓના ઉત્થાન માટે સૌને દિશા ચીંધી રહ્યું છે. માંગરોળ તાલુકાના સિમોદ્રા ગામમાં કાર્યરત મિહિર સખી મંડળ જૂથની ૧૦ બહેનો આર્થિક બચતના સહારે પગભર બન્યું છે, એટલું જ નહીં, મનરેગા યોજના અંતર્ગત માંગરોળ તાલુકામાં ૫૦૦૦ શૌચાલયનું પણ નિર્માણ કર્યું છે. આ જૂથને પ્રોત્સાહિત કરવા માટે દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ સ્વસહાય જૂથો માટે બેંક લિન્કેજ અન્વયે તાજેતરમાં માંગરોળના વાંકલ ખાતે કેશ ક્રેડિટ કેમ્પમાં રૂ. ૬ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

સિમોદ્રા ગામમાં કાર્યરત મિહિર સખી મંડળના પ્રમુખ મનીષાબેન વસાવાએ જણાવ્યું કે, અમે ૧૦ બહેનોએ એકઠા થઈને પ્રત્યેક મહિલા દીઠ માસિક રૂ.૧૦૦ની બચત કરીને આર્થિક રીતે પગભર બનવાનો નિર્ધાર કર્યો, અને મિહિર સખી મંડળની શરૂઆત કરી હતી. મિશન મંગલમ હેઠળ અમારા સખી મંડળને ૬ મહિનામાં રૂા. ૫ હજારનું રિવોલ્વીંગ ફંડ મળતા જ જૂથની મહિલાઓનો જુસ્સો પણ વધ્યો હતો.

Advertisement

વધુમાં તેમણે કહ્યું કે, પ્રથમવાર રૂા.૫૦ હજારની કેશ ક્રેડિટ મળતા વિચાર્યું કે ગામજનોને માત્ર ઝેરોક્ષ માટે ૫ થી ૬ કિ.મી. દૂર જવું પડે છે. જો ગામમાં જ ઝેરોક્ષનું સેન્ટર શરૂ કરવામાં આવે તો તેમની મુશ્કેલીઓ પણ દૂર થશે અને સૌના સમય અને આર્થિક ખર્ચમાં બચત થશે. એટલે ઝેરોક્ષ મશીન ખરીદી કાર્યરત કરતા અમને રોજગારીની નવી તક મળી અને દર મહિને રૂ.૫ થી ૬ હજારની આવક શરૂ થઈ. સમયસર લોન ભરપાઇ કરવાથી બીજા વર્ષે નવેસરથી રૂ. ૫૦,૦૦૦ ની કેશ ક્રેડિટ મળતા લેપટોપ વસાવીને ગ્રામજનોના વિવિધ યોજનાકીય લાભો અપાવવા તેમને યોજનાના ફોર્મ ભરી મદદરૂપ થવા લાગ્યા. ગ્રામજનોને અમારા પ્રયાસોથી સરકારી યોજનાનો લાભ મળવા લાગ્યો અને અમારા સખી મંડળની પ્રવૃત્તિઓને નવો માર્ગ અને વેગ મળ્યો. સાથે જ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓને રોજગારી મળતા વિવિધ કૌશલ્યની યોજનાઓ થકી આત્મનિર્ભર બની છે. સખીમંડળના સામૂહિક પ્રયાસોથી અમને ગામમાં જ સ્વરોજગારી થકી મોટો આર્થિક આધાર મળ્યો છે.

મનીષાબેને જણાવ્યું કે, મિહિર સખી મંડળની બહેનોને તાલીમબદ્ધ કરીને તેમના મોનિટરીંગ હેઠળ માંગરોળ તાલુકામાં મનરેગા યોજના હેઠળ ૫૦૦૦ શૌચાલય બાંધકામની કામગીરી પૂર્ણ કરી છે, આ કામગીરીમાં મંડળને રૂ. ૨.૫૦ લાખથી વધુની નફો મળ્યો છે, જેનો ઉપયોગ મંડળની બહેનોને પગભર કરવામાં અને સ્વરોજગારી વધુ નવીનત્તમ પ્રવૃત્તિઓ કરવામાં ઉપયોગ કરી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે, પારિવારિક અને સામાજિક નિર્ણયોમાં પણ મહિલાઓની ઓછી ભાગીદારી જોવા મળતી. પરંતુ સ્વસહાય જૂથમાં જોડાયા બાદ મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો થતા સખી મંડળની બહેનો દરેક ક્ષેત્રમાં નેતૃત્વ કરતી થઈ છે. અને ઘરની બહાર ન નીકળતી મહિલાઓના પરિવારને પણ આત્મનિર્ભર બનાવી રહ્યા છે. આમ, મિહિર સખી મંડળ ઘરનો ચૂલો સાચવતી મહિલાઓને સ્વરોજગારી થકી આત્મનિર્ભર બનાવી રહ્યું છે અને અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચનો વધુ એક ઓવરબ્રિજ શું અકસ્માતને નોતરું આપી રહ્યો છે ?

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના મુલદ નજીક ટ્રકની ટક્કરે બાઇક ચાલક યુવકનું મોત.

ProudOfGujarat

અંકલેશ્વર : કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કર જપ્ત કરવાનો મામલો, ચાલક સહીત 3 લોકો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!