માંગરોળ તાલુકાની લીમોદરા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરે માનવ ગરિમા યોજના હેઠળ મળતા લાભ માટે પોતે અને પોતાના ઘરના ત્રણ સભ્યોના અરજી ફોર્મ ભરી દીધા છે પરંતુ ગરીબ લાભાર્થીઓના અરજી ફોર્મ ભરતાં નથી અને ગરીબ લાભાર્થીઓ પાસે વિવિધ યોજના હેઠળ અરજી ફોર્મ ભરવાના આડેધડ પૈસા વસુલી રહ્યા હોવાની ફરિયાદ ગામના ચૂંટાયેલા સરપંચ અને સભ્યોએ ટીડીઓ અને કલેક્ટરને કરી ઓપરેટર બદલવાની માંગ કરી છે.
લીંમોદરા ગ્રામ પંચાયતના સરપંચ ભારતીબેન નાનુભાઈ રાઠોડ અને ગ્રામ પંચાયતના સદસ્ય હસમુખભાઈ ભગુભાઈ પટેલે ટીડીઓ અને જિલ્લા કલેકટરને ફરિયાદ કરી જણાવ્યું કે લીમોદરા ગામના સરપંચ તરીકે અગાઉની ટર્મમાં રહેલા અને હાલમાં ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા ભારતીબેન નાનુભાઈ પટેલ મનમાની ચલાવી આડેધડ ખોટું કરી રહ્યા છે તેઓ માનવ ગરિમા યોજના હેઠળ ગામના લાભાર્થીઓને મળવા પાત્ર લાભોની અરજીના ફોર્મ ભરતા નથી અને પોતે સક્ષમ હોવા છતાં આ યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ તેમણે ભર્યું છે સાથે તેમના દિયર શૈલેષભાઈ છોટુભાઈ પટેલ અને ભાભી મીનાક્ષીબેન રાકેશભાઈ પટેલ તેમજ કાકાની દીકરી પંક્તિબેન કિરીટભાઈ પટેલ સહિત કુલ ચાર અરજી ફોર્મ પોતાના જ કુટુંબના સભ્યોના ભર્યા છે જ્યારે ગામના લાભાર્થીઓ જે ખરેખર જરૂરિયાત મંદ છે તેવા લોકોના ફોર્મ નહીં ભરી ગરીબ લોકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ બાબતે યોગ્ય તપાસ થાય તો અગાઉ પણ તેમણે સગા સંબંધીઓના ફોર્મ ભરી ગેરકાયદેસર લાભ લીધા હોવાનું બહાર આવે તેમ છે. હાલમાં ગામના ગરીબો પાસેથી ઓપરેટર ભારતીબેન પટેલ દ્વારા ઈશ્રમ કાર્ડ બનાવવાના રૂપિયા 50, આવક પ્રમાણપત્રનું ફોર્મ અને પ્રમાણપત્રની ફી ₹20 અને 70 લેવામાં આવે છે રેશનકાર્ડ બનાવવા માટે અને રેકોર્ડમાં નામ ઉમેરવા માટે ₹ 300 અને રૂપિયા 80 લેવામાં આવે છે. આયુષ્યમાન કાર્ડ બનાવવાની ફી રૂપિયા 70, ઓનલાઈન મરણ પ્રમાણપત્રની ફી ₹30 અને ઓનલાઈન આકારણીની ફી ₹20 લેવામાં આવે છે. અન્ય ગ્રામ પંચાયતોમાં આ પ્રમાણેનો ચાર્જ લેવામાં આવતો નથી અને પોતે વધુ ચાર્જ લઈ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે અમે પોતે ચૂંટાયા પછી ગ્રામ પંચાયતના ઓપરેટરની નિમણુક અંગે અધિકારીઓ પાસે માહિતી માંગી છે પરંતુ આ બાબતે કોઈ માહિતી આપવામાં આવતી નથી. આખરે આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર ગાંધીનગર, માંગરોળના સ્થાનિક ધારાસભ્ય ગણપતભાઈ વસાવા વગેરેને ફરિયાદ કરી છે જો આ બાબતે ગરીબોના હિતમાં ભ્રષ્ટાચાર આચરનાર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ન છૂટકે સરપંચ અને સભ્યોએ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા વિરોધ પ્રદર્શન જેવા કાર્યક્રમો કરશે સરકારી કચેરીઓ સામે કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ