રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, દિનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ.(GLPCL) અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે ગ્રામીણ મહિલાઓને આર્થિક ઉપાર્જન કરવા સક્ષમ બનાવવાના આશયથી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ સ્થિત પંચવટી કેન્દ્ર ખાતે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તેમજ મહાનુભાવોના હસ્તે સ્વસહાય જૂથની બહેનોને રૂ.૪.૫૦ કરોડની લોન સહાયનું વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રીએ જણાવ્યું હતું કે,૨૦ વર્ષ પહેલા સખી મંડળો માત્ર ચોપડે જોવા મળતા હતા, પરંતુ આજે રાજ્યમાં ૧૦,૫૦૦ થી પણ વધુની સંખ્યામાં સખી મંડળો અવનવી પ્રવૃત્તિઓમાં કાર્યરત છે. છેલ્લા ૨૦ વર્ષમાં વિકાસને વરેલી આ સરકારે મહિલાઓ માટે અઢળક યોજનાઓ બનાવી અને સ્ત્રીઓના કંઈક કરી બતાવવાના ઉત્સાહને આવકારતા તેમની પર અતૂટ વિશ્વાસ ધરાવતી સરકાર જ મહિલાઓ માટે બેંકમાં તેમની ગેરેન્ટર પણ બને છે. આ વિશ્વાસને સાર્થક કરતી બહેનોએ પ્રમાણિકતાથી આ વિશ્વાસને અડીખમ રાખ્યો છે એમ જણાવી લાભાર્થી મહિલાઓને લોનસહાયને પોતાના નાનકડા વ્યવસાયને પ્રગતિના ઉચ્ચ શિખરે લઈ જવાની શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ કહ્યું કે, મહિલાઓને સમાજની મુખ્ય ધરામાં લાવવાનું ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સપનુ વડાપ્રધાન નરેન્દ્રભાઈની સરકારે જ સાકાર કર્યું છે. તેમણે પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતમાં મહિલાઓ અને બાળ વિકાસ માટે અલગ વિભાગ શરૂ કરી અનેક કલ્યાણકારી યોજનાઓ સાકાર કરી. ખાસ કરીને આદિવાસી લોકો માટે અનેક વિકાસલક્ષી કાર્યોથી તેમના જીવનધોરણમાં આમૂલ પરિવર્તન લાવવામાં સફળતા મેળવી છે.
જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી ગ્રામજનોને આયુષ્માન કાર્ડ, પીએમ આવાસમાં વીજળીકરણ, કોવિડ વેક્સીનેશન અને ૧૦૦ ટકા શૌચાલય જેવા આયામો પર અગ્રેસર રહેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ આવનારા દિવસોમાં સખી મંડળ થકી ૧૦ લાખ સખી” સેનેટરી પેડનું ઉત્પાદન અને મિનરલ વોટરના કાર્યો કરવાની તેમજ આ બંને કાર્યોમાં “સખી”ને એક બ્રાન્ડ તરીકે રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવવાની કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિ, તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત, ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ તેમજ સમાજના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ