માંગરોળ તાલુકામાં વ્યાપક વરસાદથી કૃષિ પાકને થયેલા નુકસાનનું તાત્કાલિક ધોરણે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવી છે.
ચાલુ વર્ષે છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોના કૃષિ પાક તદ્દન નિષ્ફળ ગયા છે આ બાબતે કોંગ્રેસના આગેવાનો દ્વારા ગુજરાતના રાજ્યપાલને સંબોધીને લખેલું એક આવેદનપત્ર મામલતદારને સુપ્રત કરી જણાવ્યું કે ખેતી ઉપર નભતા મહત્તમ નાના-મોટા ખેડૂતોએ ખેતીમાં વિવિધ પાકોનું વાવેતર કરેલ હતુ તમામ વાવેતર વધુ વરસાદને કારણે નિષ્ફળ ગયું છે તેમજ અતિ ભારે વરસાદથી તમામ કૃષિપાક નિષ્ફળ ગયો છે. ખાદ્ય પાકો અને શાકભાજી પાકોમાં પારાવાર નુકસાન થતાં મરણતોલ આર્થિક નુકસાનનો મોટો ફટકો ખેડૂતોને પડ્યો છે. આ સંજોગોમાં ખેડૂત વર્ગને સહારો મળે તે જરૂરી છે ખાસ માંગરોળ તાલુકાના આદિવાસી વિસ્તારના ખેડૂતો ની હાલત દયનીય બની છે ત્યારે અસરગ્રસ્ત તમામ ખેડૂતોના કૃષિપાકના નુકસાનનો સર્વે તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને નુકસાની અનુસાર વિસ્તારના તમામ ખેડૂતોને યોગ્ય વળતર સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કોંગ્રેસના આગેવાનોએ કરી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ