માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના સિંગલ ફળિયામાં રોડ માર્જિનની જગ્યામાં કેટલાક લોકોએ જાહેરમાં ઉકરડા બનાવી વ્યાપક ગંદકી ફેલાવતા ગંદકીથી ત્રાહિમામ પોકારી ઊઠેલા સ્થાનિક રહીશો અને શાળાના સંચાલકોએ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે ગંદકી દુર કરવાની પ્રબળ માંગ કરી છે.
પ્રાંત અધિકારીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે ઝંખવાવ ગામ ખાતે સિંગલ ફળિયામાં APMC માર્કેટ સામે ક્રિશ્ના વિદ્યાલય આવેલ છે જેમાં શાળાની સામે રોડ માર્જિનની જગ્યામાં આજુબાજુમાં રહેતા લોકો દ્રારા ઘણા સમયથી ઉકરડોઓ બનાવેલ છે. જેમાં ઢોરના મળ, મૂત્ર એઠવાડ, છાણ વગેરે નાંખી ખૂબ જ ગંદકી કરે છે તેમજ ત્યાં રોડ માર્જિનની જગ્યામાં વાડ બનાવી ગેરકાયદે કબ્જો કરી રોડ પરની ટ્રાફિકની અવર-જવરમાં પણ અડચણ રૂપ થાય એ રીતે દબાણ કરેલ છે. વિશેષમાં શાળાની પાછળના ભાગમાં તેમજ ત્યાના રહેણાંક વિસ્તારનાં ખુલ્લા પ્લોટમાં પણ આજ રીતે ઉકરડા બનાવી ખૂજ જ ગંદકી ફેલાવી છે. જયારે શાળા શરૂ થાય ત્યારે અને શાળા છૂટે ત્યારે શાળામાં બહારથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓના લેવા માટે આવતા વાહનો પણ ત્યાં વાહનો ઊભા રાખી શકે એવી પરિસ્થિત નથી. છેલ્લાં ઘણા વર્ષોથી શાળા સંચાલક તેમજ રહેણાંક વિસ્તાર રહેતા લોકોએ આ ઈસમોને ગંદકી નહીં કરવા રજૂઆત કરી છે છતાં આ સમસ્યાનો આજ દિન સુધી ઉકેલ આવેલ નથી. આ ઈસમોને રજૂઆત કરતાં ઘણી વાર ઝઘડા પણ થયા છે અને આ ઈસમો તમે બીજા વિસ્તારમાં રહેવા જતાં રહો અહીં શું કામ રહેવા આવ્યા એવું કહી ધાક ધમકી પણ આપે છે. જેથી આખરે અમે સરકારી તંત્રનો સહારો માગીએ છે સરકારી તંત્રના અધિકારીઓ આ સ્થળની મુલાકાત લઈ ન્યાયના હિતમાં કાયદેસર કાર્યવાહી તેઓ વિરુદ્ધ કરી ન્યાય આપવામાં આવે તેવી અમારી માંગ છે. હાલ આપણાં દેશના વડાપ્રધાન દ્રારા છેલ્લાં ઘણા વર્ષથી સ્વચ્છતા અભિયાન શરૂ કરેલ છે પરંતુ ઝંખવાવ ગામના સિંગલ ફળિયામાં સ્વચ્છ ભારતનું અભિયાન તદ્દન વિપરીત અને અભિશાપ રૂપ છે.
હાલ ચોમાસું શરૂ થતાં આ ઉકરડામાં પાણીનો સંગ્રહ થતાં ત્યાં ખૂબ જ દુર્ગંધ મારે છે અને મચ્છરોનો પણ ઉપદ્રવ થયેલ છે જેથી શાળામાં આવતા પ્રાથમિક વિભાગના નાના બાળકો અને રહેણાંક વિસ્તારમાં રહેતા રહિશો તેમજ સિનિયર સિટિઝનો આ ગંદકીને કારણે વારંવાર બિમાર પડતાં હોય છે તેમજ પરિસ્થિતી એટલી ભયાનક બની છે કે રોગ-ચાળો પણ થવાની શક્યતા છે સદર બાબતે ગંદકી અને કચરાનાં નિકાલ માટે શાળા સંચાલક મંડળ વતી ગ્રામ પંચાયત, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ હજી સુધી અમારી સમસ્યા હલ થયેલ નથી. નાના બાળકોનાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અહીં ફેલાયેલ ગંદકી અને કચરાનો નિકાલ ઝડપથી કરવામાં આવે તેવી અમારી માંગ છે.
વિનોદ મૈસૂરિયા : વાંકલ