માંગરોળ તાલુકાના વાંકલ ગામની સ્નેહલ પાર્ક સોસાયટીમાં તસ્કર ચોર ટોળકી એ એક બંધ ઘરને નિશાન બનાવી 20 તોલાથી વધુ સોનાના ઘરેણાની ચોરી કરી તરખાટ મચાવતા સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો છે.
મૂળ માંગરોળના લવેટ ગામના વતની અને હાલ વાંકલ ગામના સ્નેહલ પાર્કમાં પોતાના માલિકીના મકાનમાં રહેતા ઉમેશભાઈ સુમનભાઈ ચૌધરી જેઓ વ્યવસાયે ખેડૂત છે અને તેમના પત્ની શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તારીખ 15 ના રોજ તેઓ પરિવાર સાથે પોતાના મૂળ ગામ લવેટ ખાતેના ઘરે રહેવા ગયા હતા અને રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે તેમના પત્ની શીલાબેન ફરજ પર જવાનું હોવાથી વાંકલ સ્નેહલપાર્ક સોસાયટીમાં તેમના ઘરે આવ્યા હતા ત્યારે ઘરના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં જોયો હતો જેથી તેમને ચોરી થયાનો ખ્યાલ આવી ગયો હતો તેમણે ઘરમાં તપાસ કરતા કબાટનું લોક પણ તોડવામાં આવેલું હતું. કબાટમાંથી સોનાના બે મંગલસૂત્ર, કાનની બુટ્ટી, બ્રેસલેટ, સોનાની ચેન, બંગડી, રજવાડી પાટલા, રંગીન મણકાવાળો સેટ સહિતના કુલ 20 તોલાથી વધુ સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો પ્લાન થઈ ગયા છે. હાલ આ ચોરીની ઘટના બનતા મકાન માલિકે પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ